મોરબીઃ નાની નાની બાબતોમાં થયેલી બોલાચાલી ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે. અને હત્યા સુધી પહોંચી જતી હોય છે. આવી જ એક ઘટના મોરબીના હળવદમાં બની હતી. અને મસ્તી માટે ભેગા થયેલા મિત્રો વચ્ચે બબાલ થઈને પછી મિત્રના હાથે જ મિત્રની હત્યા થયાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસે આ ઘટનામાં પાંચ પૈકી બે શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.
ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે મોરબીના હળવદ ખાતે રવિવારે મોડી સાંજે યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદ જીઆઈડીસી નજીક આવેલી પાનની દુકાને મોડી સાંજે મૃતક યુવાન અવેશ જંગિયા, આરીફ જામ, હૈદર મોવર, કાસમ ઈસા કાજડિયા, અબ્દુલ ઇસા કાજડિયા, ગફુર ઇસા કાજડિયા સહિતના મિત્રો ભેગા થઇને મસ્તી કરતા હતા.
આ મસ્તીએ થોડીવારમાં તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હાજર પાંચ ઈસમોએ પ્રથમ બોલાચાલી કરી હતી. જે બાદ અવેશ કાસમભાઇ જંગિયા (મીયાણા) ઉ.20 નામના યુવાનને માથાનાં ભાગે ધોકો અને છરી મારી દીધી હતી.
જે બાદ ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ હળવદ અને બાદમાં મોરબી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવાનને સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટયો હતો. બાદમાં મૃતદેહને મોરબી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે હળવદ પોલીસે મોરબી સિવિલ હૉસ્પિટલ ખાતે તપાસ અર્થે આવી તપાસ શરૂ કરી છે. સાથે જ આ બનાવમાં સંડોવણી ધરાવતા બે ઈસમોને શંકાના દાયરામાં લઈને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ મામલે હળવદ પીઆઈ દેકાવડીયાની ટીમે ગુનો નોંધવા અને હત્યામાં વપરાયેલ શસ્ત્રો કબ્જે કરવા તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરી છે.