Muslim Youth ગણપતિ દાદાને આગની જ્વાળાથી બચાવવા મુસ્લિમ યુવાઓ આગળ આવ્યા
આગની જ્વાળામાં લપેટાય એ પહેલાં જ ભયંકર આગમાંથી રીક્ષા અને ટેમ્પો સાઈડ પર કરીને નુકશાનથી બચાવ્યા
Muslim Youth ગણપતિ દાદાના મેન્યુફેકચરિંગ ગોડાઉનમાં આગ લાગતાંની સાથે જ મુસ્લિમ યુવાઓએ ફાયર તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટને કોલ કરીને બિનસાંપ્રદાયિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. મુસ્લિમોના પવિત્ર રમદાન મહિનામાં આ પ્રકારે પુણ્યનું કામ કરનાર મુસ્લિમ યુવાઓની લાગણીને હિન્દુ ભાઈઓએ ઉમળકાભેર આવકારી હતી.
વિગતો અનુસાર મંગળવારે એટલે કે 25મી માર્ચની મધરાતે ચાર વાગ્યાની આસપાસ સોનીફળિયાસ્થિત ગણપતિ દાદાના મેન્યુફેકચરિંગ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાઓ હસ્સાન અશરફ કાનુન્ગો, હાઝિક અશરફ કાનુન્ગો, અબ્દુલ હસીબ મલેક, અબ્દુલ અદીબ મલેક, મુઆવિયા શેખ, અબરાર પઠાન, મુહામીદ અશરફ કાનુન્ગો તેમજ હમઝાએ તરત જ ફાયર અને પોલીસને કોલ કરીને સ્થળ પર આગની લપેટો નજીક જ પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને સાઈડ પર કરી દીધા હતા જેનાથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા હતા. અલબત્ત ગણપતિ દાદાની અનેક મૂર્તિઓ તેમજ મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી.
કોલ મળતાંની સાથે જ ફાયરના લશ્કરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા જેમને સ્થળ સુધી પહોંચાડવા પણ મુસ્લિમ યુવાઓએ મદદ કરી હતી.
આજના સમયમાં ગંગા-જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડતા મુસ્લિમ યુવાઓેએ કોઈપણ નાતિ-જ્ઞાતિની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેને કારણે સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ફાયરના આવ્યા પછી બંને યુવાઓને પોલીસ તેમજ ફાયરના લાશ્કરોએ અભિનંદન પાઠવવા સાથે સહેરી માટે રવાના કર્યા હતા. ઉલ્લેખનીય છેકે આ યુવાઓ રમઝાન મહિનામાં આખા મહિનાના રોઝા કરે છે.