નવસારીના બંદર રોડ પર રેલ્વેની જગ્યામાં ઝૂંપડામાં રહેતા 30 શ્રમિકોને પાલિકાએ આવાસ ફાળવ્યાં હતાં. પરંતુ આવાસને તેમણે ભાડે ચઢાવી તેઓ ઝૂંપડામાં જ રહેતા હતાં. જેથી પાલિકાએ ભાડુઆતોને આવાસ ખાલી કરવા સાથે જ ઝૂંપડાવાસીઓને ત્યાં વસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. રેલ્વેની જગ્યામાં વર્ષોથી વસેલા 52 ઝુંપડાવાસીઓને પાલિકાએ જગ્યા ખાલી કરવા ત્રણ-ત્રણ નોટિસો આપી હતી. પરંતુ અહીં વસતા શ્રમિક પરિવારોએ જગ્યા ખાલી જ ન હોતી કરી.બીજી તરફ નવસારી પાલિકાએ ગત વર્ષોમાં શહેરના રીંગ રોડ નજીક બનાવેલા આવાસોમાં બંદર રોડના 30 શ્રમિક પરિવારોને આવાસ ફાળવ્યાં હતાં. જ્યારે 21 ઝુંપડાવાસીઓને આવાસ મળ્યા ન હતાં. જો કે તેમણે પાલિકાના શાસકો સહિત લોક પ્રતિનિધિઓને રજૂઆતો કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું હતું.દરમ્યાન નવસારી નગરપાલિકા અને રેલ્વેએ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવાની હોવાથી ઝુંપડાવાસીઓને નોટિસો પાઠવી જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ ઝૂંપડાવાસીઓએ જગ્યા ખાલી ન કરતા ગત રોજ રેલ્વે અને પાલિકાએ પોલીસની મદદથી ઝૂંપડાઓ ઉપર JCB ચલાવી ડીમોલેશન કર્યુ હતું.
