નવસારી જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. દરરોજ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલોને સમયસર ઓક્સિજનનો પૂરવઠો ન મળી રહ્યો હોવાથી સૌ કોઇ ચિંતિત છે. જિલ્લાની 11 હોસ્પિટલોમાં આશરે 478 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યાં છે. હોસ્પિટલમાં માંડ 24 કલાક ચાલે તેટલો જ ઓકસિજનનો પૂરવઠો છે. તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઓક્સિજન મેળવવામાં હોસ્પિટલોને ફાંફા પડી રહ્યાં છે.જિલ્લા તંત્ર દ્વારા કોઇ જ સહાય ન મળતા હોસ્પિટલનું તંત્ર હવે અકળાયું છે. હોસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે, ‘જો જિલ્લાની 11 હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરવઠો ન મળે તો તેઓ નવા પેશન્ટ લેવાનો ઇન્કાર કરી શકે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલના સંચાલકો તંત્ર સામે આશાની મીટ માંડીને બેઠા છે. નવસારી જિલ્લામાં 24 કલાકમાં 58 નવા કેસો નોંધાયા છે જ્યારે કે 318 એક્ટિવ કેસ છે.અત્રે મહત્વનું છે કે, કુદરત જે ઓક્સિજન જીવસૃષ્ટિને મફત આપી રહ્યો છે એ ઓક્સિજનની બોટલો આજે રૂપિયા ખર્ચતા પણ મળતી નથી. એવી પરિસ્થિતિ નવસારી જિલ્લામાં થઈ ગઈ છે. અહીંના ખાનગી હોસ્પિટલોના સંચાલકો લાચાર થઈને ઓક્સિજનની અછત વેઠી રહ્યાં છે. નવસારી જિલ્લામાં ઓક્સિજનની અછત સામે તંત્ર પણ લાચાર બની ગયું છે. જિલ્લાની મોટા ભાગની હોસ્પિટલો કોરોનાના દર્દીથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલમાં ખૂટી રહેલા બેડ માટે તો વધુ વ્યવસ્થા તો કરાઈ છે પરંતુ ઓક્સિજનનો પૂરવઠો ન મળતાં હોસ્પિટલોમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ છે.
