NEET scam 2025 : NEETમાં માર્ક્સના બદલામાં કરોડોની ડીલ! 8 ગુજરાતી વિદ્યાર્થીઓ રડાર પર
NEET scam 2025 : NEET જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીયકક્ષાની પરીક્ષા સામે ફરી એક વખત ઘોટાળાની ગંભીર વિગતો સામે આવી છે. મળતી માહિતી અનુસાર, દેશભરના કેટલાક રાજ્યોમાં – ખાસ કરીને કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગુજરાત – એક સજજ રેકેટ દ્વારા NEETના પરિણામને પૈસાની લાલચમાં બદલી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કથિત રીતે, પરીક્ષામાં 650થી વધુ માર્ક અપાવવાની ખાતરી આપી, વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી રૂપિયા 75 લાખથી લઈને રૂ. 1 કરોડ સુધી માંગવામાં આવી રહ્યા છે.
રાજકોટના વાલીને અમદાવાદ બોલાવી ગોપનીય ડીલ
રાજકોટ પાસેના એક વાલી એજન્ટના સંપર્કમાં આવ્યા અને અમદાવાદની એક હોટલમાં તેમને મળ્યા. ત્યાં એજન્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું કે જો તેઓ ચૂકવણી કરે તો તેમના બાળકને NEETમાં 650થી વધુ માર્ક મળી શકે છે. આ ડીલના પુરાવા તરીકે મળેલી વિગતોમાં કર્ણાટકના હુબલી, બેલગામ અને બેંગ્લોરમાં તૈયાર કરાયેલ સેટિંગના ઉલ્લેખ મળ્યા છે.
આધારકાર્ડમાં સરનામું બદલાઈ રહ્યું છે ભ્રષ્ટ્રાચાર માટે
ઘટનાની વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે જે વિદ્યાર્થીઓને NEETમાં ઊંચા માર્ક અપાવવાના છે, તેમના આધારકાર્ડમાં ખોટા દસ્તાવેજોના આધારે સરનામું બદલી, અન્ય રાજ્યમાંથી પરીક્ષા માટે ફોર્મ ભરવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને નિર્ધારિત કેન્દ્રોમાં મોકલવામાં આવે છે, જ્યાં પરીક્ષાના આયોજનમાં સામેલ સ્થાનિક એજન્ટો દ્વારા ‘સેટિંગ’ ગોઠવાયેલું હોય છે.
ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાસ્પદ દાયરામાં
આ સમગ્ર રેકેટમાં ગુજરાતના પણ લગભગ 8 વિદ્યાર્થીઓના નામો સામે આવ્યા છે. તપાસ કરતી સંસ્થાઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ષડયંત્ર માત્ર ફેસ ટુ ફેસ ડીલ સુધી મર્યાદિત છે કે પછી સમગ્ર રાષ્ટ્રીય NEET પરીક્ષા પ્રણાલી પર ભરોસો રાખી શકાય તેમ નથી?
CBI સહિત 11 અધિકારીઓને ફરિયાદ
રાજકોટના એક વાલીએ આ અંગે સીબીઆઈ, કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), વિજિલન્સ કમિશન સહિત કુલ 11 જુદી—જુદી સ્તર પર લેખિત ફરિયાદ નોંધાવી છે. તેઓએ પત્રમાં NEET જેવી પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા માટે કેન્દ્રિય સુરક્ષા એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે.
વિશેષ તકેદારીની જરૂર
NEET જેવી પરીક્ષાઓમાં ભવિષ્ય નિર્માણ કરતી ટેલી પરીક્ષામાં ભ્રષ્ટાચાર સામે સખત પગલાં લેવાની જરૂર છે. કેન્દ્રો પર CCTV મોનીટરીંગ, આધારકાર્ડ ચકાસણી અને અલગ રાજ્યમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વિશેષ વેરિફિકેશન જરૂરી બને છે.