ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની નવમી કડીનો દબદબાભેર પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પાકિસ્તાનથી કોઈ પ્રતિનિધિમંડળ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવશે નહીં.
ગાંધીનગરમાં આવતીકાલથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થશે. અગાઉ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે સંખ્યાબંધ વ્યાપાર સંગઠનોને આમંત્રણ પાઠવ્યા ત્યારે કરાચી ચેમ્બર ઓફ કોમર્સને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેને પગલે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો કે વાઇબ્રન્ટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ પણ આવી શકે છે.
તાજેતરની આતંકી ઘટનાઓને પગલે ભારત અને પાકના રાજદ્વારી સંબંધોમાં ખટાશ જોવા મળે છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘પાકિસ્તાનનું કોઈ મંડળ વાઇબ્રન્ટ સમિટમાં હાજર નહીં રહે. આ અંગે ચર્ચા હતી પરંતુ તે સત્ય નથી.’ જો કે મુખ્યમંત્રીએ આ વિશે વધુ ફોડ પાડ્યો નહતો.
ગુજરાતના ચીફ સેક્રેટરી જે એન સિંહે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટમાં પાક.ના ડેલિગેશનને આમંત્રિત કરવામાં કંઈ જ ખોટું નથી. ગુજરાર ચેમ્બર દ્વારા વૈશ્વિક વ્યાપાર બોડીને વાઇબ્રન્ટમાં હિસ્સો લેવા માટે આમંત્રણ મોકલવાનું નક્કી કર્યું હતું અને રાજ્ય સરકારે તેમાં સહમતિ વ્યક્ત કરી હતી. જીસીસીઆઈએ કરાચી ચેમ્બર ઓફ કોમર્સને પણ આમંત્રણ મોકલ્યું હતું. ગુજરાત સરકારે કોઈ આમંત્રણ મોકલ્યું નથી તેમ સિંહે જણાવ્યું હતું.
પાકિસ્તાનના વ્યાપાર સંગઠનને ‘ગ્લોબલ કોન્ક્લેવ ઓફ ઈન્ટરનેશનલ ચેમ્બર્સ’માં ભાગ લેવા આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. અગાઉ 2013માં પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ દ્વિપક્ષીય સમિટમાં ભાગ લેવા ગુજરાત આવ્યું હતું. જો કે બોર્ડર પર તણાવને પગલે આ પ્રતિનિધિમંડળ મુખ્ય કાર્યક્રમમાં સામલ થયા વગર જ પરત જતું રહ્યું હતું. ત્યારબાદ 2015 અને 2017માં સમિટમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળને આમંત્રિત કરાયું નથી.