અમદાવાદ: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ માટેની ફેવરેટ જગ્યા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતની અલગ-અલગ જગ્યાએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. હવે એક વખત ફરીથી રવિવારે મોડી રાત્રે નવલખી પોર્ટ પાસેના ઝીંઝુડા ગામમાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.
આ ડ્રગ્સને એટીએસ અને મોરબી એસઓજીએ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સની જથ્થાની આશરે માર્કેટ કિંમત 600 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ડ્રગ્સ સાથે પોલીસ બે લોકોની ધરપકડ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, એક-દોઢ મહિના પહેલા કચ્છના મુન્દ્રા બંદર પર 3000 કિલોનો જથ્થો ઝડપાયો હતો. આ જથ્થો અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન-દુબઈના માર્ગે આવ્યો હોવાની વાત સામે આવી હતી. ત્યાર બાદ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકામાં પણ મોટા પાયે નશીલા પદાર્થનો જથ્થો ઝડપાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો હતો.
આમ પાછલા દોઢથી બે મહિનાની અંદર આશરે 30000 કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાઈ ચૂક્યું છે.