પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી તે સમયે પાટીદારો સામે રાજ્યના વિવિધ પોલીસમથકમાં કેસો નોંધાયા હતા. જોકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પાટીદાર મતદારોને રિઝવવા માટે રાજ્યભરમાં અનામત આંદોલન વખતે પાટીદારો સામે નોંધાયેલા કેસો પરત ખેંચવા સરકારે કાર્યવાહી કરી હતી અને કેસો પરત ખેંચવા અરજીઓ કરવામાં આવી હતી. જે પૈકી કૃષ્ણનગર અને બાપુનગર પોલીસમથકમાં નોંધાયેલા બે કેસો પરત ખેંચી આરોપીઓને ડિસ્ચાર્જ કરવાનો આદેશ એડિશનલ સેશન્સ જજ એ.આર. પટેલે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પૈકી સરકારે એક પછી એક કેસો પરત ખેંચવાની શરૂઆત કરી દીધી છે. જોકે, હાર્દિક પટેલ એન્ડ મંડળી સામેના કેસ સરકાર પરત નહીં ખેંચે અને તે કેસ ઝડપી ચલાવવા સરકારે કવાયત હાથ ધરી છે.
પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિકની ધરપકડ બાદ શહેરમાં હિંસા ભડકી હતી. તે સમયે અમદાવાદમાં 63 ગુના નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં જાહેરનામા ભંગના 43, સરકારી મિલકતને નુકસાનના 152, પોલીસ ચોકી સળગાવવા તેમજ પોલીસ પર હુમલાના 110 તથા રાયોટિંગના 87 મળી કુલ 455 કેસ રાજ્યના વિવિધ પોલીસ મથકમાં નોંધાયા હતા. બીજી તરફ વિધાનસભા ચૂંટણી પહેલાં જ સરકારે પાટીદારો સામેના તમામ કેસો પરત ખેંચવાની હૈયાધારણ આપી હતી. ત્યારબાદ રાજ્યમાં વિવિધ જગ્યાએથી કેસો પરત ખેંચવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન કૃષ્ણનગર અને બાપુનગરના બે કેસ પરત ખેંચવા સરકારે અરજી કરી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા કેસો પરત ખેંચવાનું સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું છે જેથી સીઆરપીસીની કલમ 321 મુજબ કેસ પરત ખેંચવાની સરકારને સત્તા છે. તેથી કોર્ટે આ કેસ પરત ખેંચવા આદેશ કરવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે સરકાર તરફી આદેશ કરતા કેસ પરત ખેંચાઇ ગયા છે.