- ખેડૂત પાયલોટનું ઝેરી ડ્રોન
- 100 ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું
દિલીપ પટેલ
અમદાવાદ, 21 ઓગસ્ટ 2023
Gujarat: અમદાવાદના રાયપુરમાં આવેલી કૌશલ્યા યુનિવર્સિટી ડ્રોન મંત્રા લેબને ડ્રોન ઉત્પાદન માટે મંજૂરી આપવામાં આવી છે.
Gujarat તેને ડાયરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન દ્વારા ટાઈપ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું સર્ટિફિકેટ મેળવનાર દેશની પ્રથમ યુનિવર્સિટી છે.
ડ્રોન મંત્રા લેબ રાયપુર અમદાવાદ ખાતે 100 ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ડી.જી.સી.એ. દ્વારા રિમોટ પાયલોટ ટ્રેનિંગ માટે UIN નંબર ધરાવતા ઓછામાં ઓછા બે ડ્રોન હોવા આવશ્યક છે.
ડ્રોન નાના છે. જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદની કૌશલ્યા યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ રાજ્યમાં ડ્રોન પાયલટ તાલીમની સુવિધા વિસ્તારવા માટે કરાશે.
તાલીમ
19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ખેડૂતોને પાયલટ તાલીમ અપાશે. કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા કલોલમાં RTPO એટલે કે રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન છે. અમદાવાદના શીલજ કેમ્પસ ખાતે નવી RTPOની મંજૂરી સરકારે આપી છે.
ખેડૂતો માટે તાલીમ
કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન બનાવાશે. જ્યાં ખેડૂતોને ડ્રોન પાયલોટ તાલીમ આપવામાં આવશે. ખાનગી કંપનીઓ આવી તાલીમ રૂ. 50 હજારમાં આપે છે. જે અહીં રૂ. 1200માં 7 દિવસ તાલીમ આપવામાં આવશે.
ખેડૂતોના પાકમાં રાસાયણિક ખાતર તથા દવાના છંટકાવ માટે ડ્રોન ટેક્નોલોજીથી છંટકાવ કરવો તે હાલના સમયમાં કૃષિક્ષેત્રની માંગ છે.
ખેડૂતોના સ્વાસ્થ્યને વિપરીત અસર અટકાવી મોત અટકાવી શકાશે. દવાનો વધુ વપરાશ ઘટાડી શકાશે. ખેત ઉત્પાદનમાં પણ વધારો થશે. ડ્રોન પાયલોટ કૃષિ ક્ષેત્ર માટે ક્રાંતિકારી પગલું બની રહેશે.
રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી છે. સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
મુખ્ય પ્રધાન
28 માર્ચ 2023માં મુખ્યમંત્રીએ ‘ડ્રોન મંત્ર’ લેબનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં ડ્રોન ટેક્નોલોજી અંગેની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્ય સરકારે કૌશલ્યા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડ્રોન્સની સ્થાપના કરી હોવાની જાહેરાત કરી હતી.
રાજ્યની 50 આઈટીઆઈમાં ડ્રોન પાઈલટની તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા 100 ડ્રોન બનાવવાની મંજૂરી આપી હતી. યુનિવર્સિટીને DGCA દ્વારા મંજૂર કરાયેલા ડ્રોન માટે અંદાજે 40-50 ટકા ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા હતી. સામાન્ય રીતે, પ્રમાણિત ડ્રોનની કિંમત લગભગ 6-7 લાખ રૂપિયા છે જે ઘટીને 3.5 લાખ રૂપિયા થવાની ધારણા હતી.
કેન્દ્ર સરકાર વર્ષ 2030 સુધીમાં ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવા માંગે છે. રાજ્યોમાં પણ ડ્રોન નીતિ લાવવાની હતી.
શું છે ડ્રોન ઉદ્યોગ
દેશમાં હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. ગુજરાતમાં તે રૂ. 300 કરોડનો હોવાનો અંદાજ છે. ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે. આજ સુધી ગુજરાતમાં એક પણ ડ્રોન બનતા ન હતા. હવે 100 નંગ ગુજરાત સરકારની યુનિવર્સિટી બનાવે છે.
બજેટ
5 ઓગષ્ટ 2022માં ગુજરાતે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં શરૂ કર્યો હતો. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ – યોજના હેઠળ કુલ રૂ.35 કરોડ ની જોગવાઈ કરવામાં આવી હતી. જો 2023માં નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ કરી હતી.
આ યોજનામાં કુલ 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે. ખેડૂને રૂ. 2500 સહાય આપવામાં આવે છે.
કૃષિ વિશ્વ વિદ્યાલય
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એપ્લીકેશન ઓફ રોબોટીક્સ અને ડ્રોન ટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર વિષય પર 2 માર્ચ 2023માં વર્કશોપ થયો હતો.
ડેરી
બનાસ ડેરી એવી ડ્રોન ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે કે, પશુપાલક પોતાના ફોન થકી ડ્રોનને હેન્ડલ કરશે, ડ્રોનમાં દૂધ રાખીને દૂધ મંડળીએ ભરાવી શકશે. પણ તે માત્ર સ્વપ્ન બની ગયું છે.
ડ્રોનના વેપાર અને વ્યવસાય તરીકે 25 હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી હાલ મળી શકે છે. અંદાજ મુજબ ભારતમાં 5 લાખ જેટલા લોકોને વર્ષ 2021માં રોજગારની તક મળી હતી. કૃષિ, પર્યાવરણ રક્ષણ, વીજળી, પાણી જેવા ઘણા ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
3 વર્ષમાં 120 કરોડની સહાય
સપ્ટેમ્બર 2021માં, કેન્દ્રએ ડ્રોન અને તેના ઘટકો માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હતી. સરકારે આ યોજના માટે રૂ. 120 કરોડ (ત્રણ નાણાકીય વર્ષમાં ફેલાયેલા) અલગ રાખ્યા છે.
ઉદ્યોગ
2022થી પાંચ વર્ષમાં દેશનો ડ્રોન ઉદ્યોગ 50 હજાર કરોડનો થશે. આ સાથે 10 હજાર લોકોને અને 5 વર્ષમાં લગભગ 20 હજાર લોકોને રોજગારી મળવાની આશા છે.
ડ્રોન અને ટ્રેક્ટરથી મજૂરી કામ ઓછું થયું
ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયા અને જંતુનાશક દવા 20 મિનિટમાં 1 હેક્ટરમાં 25 લીટર પાણી દ્વારા છંટકાવ કરી શકાય છે. ખેડૂતો 40 ટકા ખર્ચ ઘટાડી શકશે. 90% સુધી અસરકારક ઉપયોગ કરી શકાય છે. ઇફકો દ્વારા ગુજરાત રાજયમાં 35 ડ્રોન લાવવામાં આવ્યા છે.
દવા છાંટવાનું કામ કરતા 800 મજૂરોનું કામ એક ડ્રોન કરે છે.
બેકારી
ગુજરાતની 90 લાખ હેક્ટર જમીનની ખેતીમાંથી 50 લાખ હેક્ટરમાં દવા કે યુરિયાનો છંટકાવવામાં 40 લાખ ખેતમજૂરો છે. ડ્રોનથી 5 લાખ મજૂરોની રોજગારી ખેડૂતો બચાવી શકશે.
ટ્રેકટર દ્વારા ખેતી કરવામાં આવતાં 60 લાખ બળદ ખેડૂતોને સાચવવા પડતા નથી. 70 લાખ બળદ ખેતી કરતાં હોવા જોઈએ, પણ 10 લાખ બળદ ખેતીમાં કામ કરે છે. 50 લાખ બળદ ઓછા થઈ ગયા. ટ્રેક્ટર દ્વારા 20 લાખ ખેત મજૂરોનું કામ થઈ રહ્યું છે.
સિંચાઈમાં નવા સાધનો આવતાં 10 લાખ મજૂરો હવે રાખવા પડતા નથી.
નાના સ્વયંસંચાલિત સાધનો, થ્રેશર દ્વારા 10 લાખ ખેત મજૂરોનું કામ થવા લાગ્યું છે.
ટ્રેક્ટર, નાના સ્વયંસંચાલિત સાધનો, ડ્રોન અને હવે રોબોટ આવતા ખેડૂતોને 51 લાખ ખેત મજૂરો ઓછા રાખવા પડે છે.
2001માં 6 લાખ ખેતરો અડધા હેક્ટરના હતા, 2024માં 20 લાખ થઈ ગયાનો અંદાજ છે. 3 વીઘા જમીન સાથે મજૂરી કરતાં હોય એવા ખેડૂતો 20 લાખ છે. 17 લાખ ખેત મજૂરોનો વધારો થયો છે, તેમને ડ્રોન પાયલટ બનાવીને ખેતી કરાવી શકાય તેમ છે.