Kadi-Visavadar by-election: કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો તેજ બન્યો
Kadi-Visavadar by-election: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આગામી સમયમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ આ બંને મહત્વપૂર્ણ બેઠકો જીતવા માટે કમર કસી છે.AAP બન્ને બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું. આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી હતી. જ્યારે વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. અત્રે યાદ રહે કે સામાન્ય ચૂંટણીમાં ગોપાલ ઈટાલીયા સુરતની કતારગામ વિઘાનસભા બેઠક પર પરાજ્યનો સામનો કરી ચૂક્યા છે.
Kadi-Visavadar by-election: આ ઉપરાંત, ગુજરાતમાંથી ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, હેમંત ખાવા, ઉમેશ મકવાણા, સુધીર વાઘાણી, મહારાજ મલિક, રાજુ કરાપડા, સાગર રબારી, પ્રવીણ રામ, રાજુ સોલંકી, કરસનબાપુ ભાદરકા, અમૃત મકવાણા, પરેશ ગોસ્વામી, રેશમા પટેલ, બિપિન ગામેતી, રાકેશ હીરપરા, પાયલ સાકરીયા, ધર્મેશ ભંડેરી, રમેશ ચૌધરી, જયદીપસિંહ ચૌહાણ, ડો. જ્વેલબેન વસરા, રામ ધડૂક, રાજુ બોરખાતરિયા, રાજેશ શર્મા, મુકેશ અહેલાવત, અજીત લોખીલ, અમજદ પઠાણ, બ્રિજરાજ સોલંકી અને ગૌરી દેસાઈ જેવા સ્થાનિક અને રાજ્ય સ્તરના અગ્રણી નેતાઓ પણ પ્રચારની ધૂરા સંભાળશે.
આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માન, દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન આતિશી સહિત આપના દિગ્ગજ નેતાઓ ગોપાલ રાય, મનીષ સિસોદિયા, સંજય સિંહ, સુનીતા કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢા જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.
કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી વિજયી બન્યા હતા. વર્ષ 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ 2022માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ 2025ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી, જેના માટે હવે પેટા ચૂંટણી યોજાશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.