Politics: લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 400 પારના નારા-સંકલ્પ સામે 300 પારની પણ સ્થિતિ રહી નહીં અને 240 બેઠકો મળી. સ્પષ્ટ બહુમતિના 272 ના મેજિક આંકમાં પણ 32 ની સંખ્યા ઘટી, જો કે પ્રિ-ઈલેક્શન અર્થાત્ ચૂંટણી પૂર્વેના ઈલેક્શન કમિશન સમક્ષ સતાવાર રીતે જાહેર કરાયેલા ગઠબંધનના સાથી પક્ષોના કારણે એનડીએને 293 બેઠકો મળી અને કેન્દ્રમાં એનડીએની સરકાર રચાઈ. વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત આરૂઢ થયા. આમ જુઓ તો નરેન્દ્રભાઈની સતત ત્રીજી ટર્મ ભલે ગણાતી હોય, પણ એનડીએની પણ આ સતત ત્રીજી ટર્મ જ છે. અગાઉના બે કાર્યકાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ કરતા વધુ બેઠકો મળી હતી, જ્યારે આ વખતે પરિસ્થિતિ અલગ જ થઈ છે.
હવે ભાજપના ઉચ્ચ નેતાગણ અને ચાણક્યની આગામી સમયમાં ર૭ર નો આંકડો પ્રાપ્ત કરવાના પ્રયાસો થશે તે નક્કી જણાય છે, જો કે જાણવા મળતી વિગતો પ્રમાણે કવાયત શરૂ પણ થઈ ગઈ છે.
ટીડીપી અને જેડીયુના ર૮ તથા ટીડીપી સમર્થક બે સાંસદો મળીને 30 ની સંખ્યા થાય છે. એ સિવાયના બાકીના 23 મા નાના-નાના પક્ષના એક-બે સાંસદો ચૂંટાયા છે. તેમાંથી પક્ષપલટો કરાવીને ભાજપમાં સમાવેશ કરાવી લેવા અને સત્તાવાર રીતે ભાજપનું સંખ્યાબળ ગમે તેમ કરીને 272ને પાર કરવા માટે પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળે છે. આટલું જ નહીં, યુપીએના કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ તેમજ અન્ય નાના નાના પક્ષો/અપક્ષોને તોડવા માટે પણ પ્રયાસો થાય તો નવાઈ નહીં!
મહારાષ્ટ્ર અને બંગાળમાં ભાજપમાંથી સાંસદો પણ રાજીનામું આપીને પક્ષ પલટો કરે તેવી રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. નાના પક્ષો કે અપક્ષોને તો એક તૃતીયાંશના પક્ષપલટાના નિયમો નડે તેમ નથી તેથી ભાજપનો ટાર્ગેટ આપવા નાના પક્ષો કે અપક્ષો જ પ્રાથમિક્તામાં છે!
હવે મૂળ વાત એ છે કે દેશના રાજકારણમાં રાજ્યોમાં સત્તાધારી પક્ષ સામે બળવો કરવો, સામૂહિક પક્ષ પલટો કરાવી સત્તા કબજે કરવી, પોતાના પક્ષના સભ્યોની સંખ્યા ઓછી હોય તો પણ ગમે તે ભોગે સત્તા પ્રાપ્ત કરવી, કદાચ સભ્યો વધારે હોય તો પણ સત્તા માટે ઓછી સંખ્યા ધરાવતા પક્ષના નેતાને મુખ્યમંત્રી બનાવી દેવા જેવા અનેક કિસ્સાઓ બન્યા છે અને બનતા રહ્યા છે. પણ… આ વખતે હવે કેન્દ્રમાં પૂર્ણ બહુમત મેળવવા માટે જોરદાર અને વ્યૂહાત્મકરીતે કવાયત કરવાની જરૂર ભાજપને પડી છે.
ભાજપના નેતાઓની આવી દરેક હીલચાલ ઉપર ટીડીપીના નેતા નાયડુ અને જેડીયુના નેતા નીતિશ કુમારની ચાંપતી નજર છે. ભાજપ દ્વારા આ બન્ને પાર્ટીના સાંસદોના પક્ષપલટા માટે કદાચ પ્રયાસો ન થાય તો પણ… જો ભાજપ અન્ય પક્ષોમાંથી સાંસદોને ભાજપમાં ભેળવી દ્યે અને ર૭ર નો આંક પાર કરી લે તો આ બન્ને નેતાઓને ડર છે કે પછી ભાજપ તેના 28-30 ના ટેકાની પરવાહ ન પણ કરે!
આગામી ત્રણ-પાંચ મહિનામાં દેશના હરિયાણા તથા અતિ મહત્ત્વના ગણાય તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યાં સુધી કદાચ ભાજપ જ નહીં પણ ટીડીપી અને જેડીયુ તેલ જુઓ, તેલની ધાર જુઓની જેમ શાંતિથી સમય પસાર કરી લ્યે તેમ સમજાય છે.
હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપને ધાર્યું પરિણામ ન મળે તો લોકસભામાં મોટી ભાંગતોડ કરવાના પ્રયાસો કમજોર થઈ જશે, પણ જો આ બન્ને રાજ્યોમાં ભાજપ બહુમતિ સાથે સત્તા મેળવશે તો ચોક્કસપણે કેન્દ્ર સરકારમાં મોટા પાયે ઉથલપાથલ થવાની શક્યતા રાજકીય પંડિતો જોઈ રહ્યા છે.
સમાન નાગરિક ધારો, જાતિ આધારિત વસતિ ગણતરી, મુસ્લિમોને આરક્ષણ જેવા મુદ્દાઓ પર અત્યારે તો એનડીએમાં કોઈ રીતે સર્વસંમતિ સધાઈ શકે તેમ જણાતું નથી, અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસિયત છે કે તેમણે ક્યારેય કોઈ દબાણમાં કાર્ય કર્યું નથી. દરેક નિર્ણયો ભલે વિવાદાસ્પદ બન્યા હોય, પણ વડાપ્રધાને ક્યારેય પીછેહઠ કરી નથી, ત્યારે કેટલો સમય ટીડીપી, જેડીયુ અને અન્ય પક્ષો સાથે સમાધાન સમજાવટથી નિર્ણયો કરે છે તે જોવાનું રહ્યું! અને આ પરિસ્થિતિ વડાપ્રધાન અને ભાજપ લાંબો સમય સુધી ચાલે તેવું સ્વાભાવિક રીતે જ ઈચ્છે નહીં જ!