Politics: 22 જૂન 2024ના રોજ ઈન્દૌર મધ્યપ્રદેશ સ્ટેટ પ્રેસ ક્લબમાં ‘4pm’ અખબાર’ અને ‘4pm યૂટ્યુબ’ ચેનલના પત્રકાર સંજય શર્માએ ગોદી મીડિયાની ચામડી ઊતારી નાખી હતી.
તેમણે કહ્યું હતું : “રાજકીય નેતાઓ જ પાટલી બદલે છે એવું નથી, દેશના મોટા મોટા અખબાર/ ટીવી ચેનલોના માલિકો/ પત્રકારો/એન્કર્સ પણ પાટલી બદલે છે. મનમોહનસિંહ સરકાર વખતે સોનિયા ગાંધી/ રાહુલ ગાંધીમાં જેમને દૈવત્વ દેખાતુ હતું; તેમના હૈયામાં કંઈક થયું અને પાટલી બદલી નાખી ! હવે તેઓ 8-10 ગનર લઈને ફરે છે. 2017માં એક દિવસ ઉત્તરપ્રદેશના એક IAS અધિકારીએ મને કહ્યું : ‘બાબા તમારાથી બહુ નારાજ છે?’ મેં કહ્યું કે કોણ બાબા? તેમણે કહ્યું કે ‘યોગી આદિત્યનાથ ! દેશના મોટા મોટા અખબારોમાં સરકાર વિરુદ્ધ એક પણ સમાચાર છપાતા નથી, તમારા 4pmમાં પ્રથમ પેજ પર એવા સમાચાર છાપો છો, જે સરકારને ખૂંચે છે ! આવું ન કરો !’ મેં કહ્યુ કે જે અખબારો સમાચાર છાપતા નથી તે 100-150 વરસ જૂનાં છે.
મારા અખબારને હજુ ત્રણ વરસ થયા છે. લખનૌ શહેરમાંથી 10 હજાર અખબાર નીકળે છે.
ત્રણ વરસમાં સરકારને મારા અખબારથી ડર લાગતો હોય તો આનાથી વધુ કોઈ અખબારની બ્રાડિંગ હોઈ શકે નહીં !’ તેણે કહ્યું કે ‘અમે કરોડો રુપિયાની જાહેરખબર આપીશું. પ્રથમ પેજ બદલી નાખો !’ મેં કહ્યું કે ‘સરકાર જે કહે તે વિજ્ઞાપન છે અને જે છૂપાવે તે સમાચાર છે. આ સિદ્ધાંત મુજબ પાછલી સમાજવાદી પક્ષની સરકાર વખતે પણ લખ્યું હતું અને હાલ પણ લખીએ છીએ ! અમે સરકાર સામે કંઈ છાપતા નથી, પણ જે સત્ય હોય છે તે છાપીએ છીએ.’ બીજે દિવસે દરોગા-પોલીસ અધિકારી અમારી ઓફિસે આવ્યા. તેના હાથમાં એક અરજી હતી, તેમાં લખેલ કે સંજય શર્માએ નેતાઓ અને અધિકારીઓ સાથે મળીને ખોટી રીતે બહુ પૈસા બનાવ્યા છે. દરોગાએ કહ્યું કે ‘તમારી સામે મુખ્યમંત્રીએ આર્થિક અપરાધ અનુસંધાનને તપાસ સોંપી છે.’ દોઢ વરસ સુધી, 18 જિલ્લાઓમાં, મારા અને મારા સંબંધીઓના ઘેર પોલીસ જતી હતી, 6 પોલીસ અધિકારીઓની ટીમ બનાવી હતી.
સંદેશ સાફ હતો કે પાટલી બદલો ! દિલ બદલો ! આ બાજુ આવી જાવ, નહીં તો ભોગવો !”
“થોડાં દિવસ બાદ બે ગાડીમાં કેટલાંક ઈસમો આવ્યા અને મારી ઓફિસ તોડી નાખી ! જ્યારે મારી સામે કંઈ ન મળ્યું તો ઉત્તરપ્રદેશ સરકારે ED અને ઈન્કમટેક્સને લખ્યું કે આની તપાસ કરાવો ! મેં કહ્યું કે જાસૂસી સંસ્થા RAWને મારી પાછળ લગાડી દો ! આવી સ્થિતમાં મારું દિલ મજબૂત થાય છે. મેં થ્રિલ અનુભવી. 4pm અખબાર મારી પત્નીના નામે છે. થોડાં દિવસ બાદ અમે STF-સ્ટેટ ટાસ્ક ફોર્સના સમાચાર છાપ્યા. STFના સીનિયર પોલીસ અધિકારીએ મારી પત્ની અને મારી સામે ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ કરી. પત્રકારોને સરકારી આવાસ મળે છે. મને પણ મળેલ. એક દિવસ આમ આદમી પાર્ટીના સંજયસિંહ મારી ઓફિસ આવ્યા. મેં એમનો ઈન્ટરવ્યુ કર્યો. યુટ્યુબ પર મૂક્યો. બીજા દિવસે સવારે એક પછી એક 6 ફોન આવ્યા કે સરકારી આવાસ તાત્કાલિક ખાલી કરો ! પોલીસ વાળાને કામે લગાડી આવાસ ખાલી કરાવ્યું ! સંદેશ હતો કે પાટલી બદલો ! દિલ બદલો ! નહીં તો ભોગવો !”
“7 વરસ સુધી મારા અખબારને એક પણ સરકારી જાહેરખબર ન આપી. માન્યતા પ્રાપ્ત પત્રકારોના રાજ્ય સ્તરના મંડળનો હું વાઈસ પ્રેસિડેનિટ હતો, મારી માન્યતા રદ કરવામાં આવી. મારી પાસે આજે પણ પાસ નથી ! સરકાર જે જે પગલાં લઈ રહી હતી તેના વિશે 4pm યુટ્યુબ ચેનલ પર બોલતો હતો. લોકોને લાગ્યુ કે ઉત્તરપ્રદેશમાં કોઈ બચ્યું ન હતું, બધાં એ શૈલીના બની ગયા હતા કે આપ કેરી કાપીને ખાવ છો કે ચૂસીને? ખિસ્સામાં પાકીટ રાખો છો કે નહીં? આટલી એનર્જી ક્યાંથી લાવો છો? તો આ કોણ માથા ફરેલ છે કે સાચું બોલે છે? ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી આવી. અમે સાંજે 6 વાગ્યે ડીબેટ કરતા હતા. દેશના મોટા મોટા પત્રકારો તેમાં આવતા હતા. મેઈન સ્ટ્રીમ મીડિયાની ચેનલની ડીબેટમાં 3 હજાર વ્યુઝ આવતા ન હતા, જ્યારે અમારી ડીબેટ 6 લાખ લોકો જોઈ રહ્યા હતા !
ચૂંટણી દરમિયાન એક દિવસ મેં યૂટ્યુબ ખોલીને જોયું તો મારી ચેનલ ગાયબ !
યૂટ્યુબને મેઈલ કર્યો, જવાબ ન મળ્યો. મેં તરત જ ફેસબૂક પર લખ્યું કે અમે ‘4pmUP’ના નામની ચેનલ બનાવું છું. વિપક્ષોએ ઉહાપોહ કર્યો કે ‘એક પત્રકાર બોલે છે તો તેની ચેનલ બંધ કરાવી દીધી !’ મારા વકીલે યૂટ્યુબને લીગલ નોટિસ આપી કે ‘તમે ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યા છો. અમે સુપ્રિમ કોર્ટમાં દાદ માંગીશું !’ ત્રીજા દિવસે મારી ચેનલ ચાલુ થઈ ગઈ ! હવે ‘4pmUP’નું શું કરવું? નક્કી કર્યું કે તેને ચાલુ રાખો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હતી એટલે ‘4pm ગુજરાત’ ચેનલ શરુ કરવાનું નક્કી કર્યું. ઈન્કમટેક્સ વિભાગનો પત્ર મળ્યો કે ‘10 વરસમાં આપે, આપના પરિવારજનોએ જે પણ ખર્ચ કર્યો છે, મકાન રિપેર કરાવ્યું હોય તો તે બધાનો હિસાબ 3 દિવસમાં આપો !’ સંદેશ હતો કે પાટલી બદલો ! દિલ બદલો ! નહીં તો ભોગવો !”
“અમે સામનો કરવાનું નક્કી કર્યું. તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે !
ગુજરાતમાંથી પત્રકાર મયુર જાની મળ્યા અને ‘4pm ગુજરાત’ ચેનલ શરુ કરી. અમને જેટલા દબાવતા ગયા તેમ એક પછી એક ચેનલ શરુ કરતા ગયાં. આજે ‘4pm Nation’ સિવાય 12 ચેનલો છે. રાજ્યોના લોકો જોડાતા ગયા અને 4pm એક મોટો અવાજ બની ગયો. અચાનક અમેરિકાની મિશીગન યુનિવર્સિટીમાંથી ફોન આવ્યો કે ‘અમે આપને સાંભળવા ઈચ્છીએ છીએ. આપની ચેનલમાં દર મહિને 30-35 કરોડ વ્યૂઝ આવે છે. રોજે એક કરોડથી વધુ !’ એમણે મેઈલ કર્યો. વિઝા માટે હું કલકતા ગયો. વિઝા મળી ગયા પણ મારો પાસપોર્ટ ત્રણ મહિના રોકી રાખ્યો ! સંદેશ હતો કે પાટલી બદલો ! દિલ બદલો ! નહીં તો ભોગવો !”
ED/ ઈન્કમટેક્સ/ CBIના દુરુપયોગથી મીડિયાના માલિકો સૌથી વધુ કમજોર બન્યા
સૌથી વધુ તેમના દિલ બદલ્યાં, સૌથી વધુ તેમણે પાટલી બદલી ! મીડિયા શબ્દ હું પત્રકારો માટે નથી કહેતો, મીડિયાના માલિકો માટે કહું છું. પત્રકારો એ જ લખશે જે સંપાદક/ માલિક ઈચ્છે છે ! મોટા મોટા મીડિયા હાઉસના પત્રકારો કહે છે કે અમે કામ તો 4pm જેવું કરવા ઈચ્છીએ છીએ પણ સંપાદકો/ માલિકો કરવા દેતા નથી ! આ દેશે શું નથી આપ્યું મુકેશ અંબાણીને? દેશનો સૌથી ધનવાન માણસ બનાવ્યો. દેશે એને પ્રેમ આપ્યો; પરંતુ એણે દેશને શું આપ્યું? માત્ર હિન્દુ-મુસ્લિમ કરનારા ઝેરીલા એન્કર્સ ! ઝેરીલી ચેનલ ! ઝેરીલી ડીબેટ, ઝેરેલાં thumbnail ! જેને જોઈને દેશના બે સમુદાય લડવા તૈયાર થઈ જાય ! મુકેશ અંબાણીની ચેનલમાં કામ કરનાર પત્રકાર કરે પણ શું? એ પણ વિચારતો હશે કે આવું ન કરાય, પરંતુ નોકરી પણ એક મજબૂરી છે. આ બાબત નેતાઓની પાટલી બદલવા કરતાં વધુ ખતરનાક છે ! [સૌજન્ય : વરિષ્ઠ પત્રકાર સંજય શર્મા]