Saputara paragliding : ટેન્ડમ હીલ પેરાગ્લાઈડિંગ ફ્લાઇંગનું ટેન્ડર રદ કરવા સ્થાનિકોની ડાંગ કલેક્ટરને લેખિત રજૂઆત, ઉકેલ નહીં આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી
પેરાગ્લાઈડિંગના અનુભવના વર્ક ઓર્ડરનું શું?
ટેન્ડમ પેરાગ્લાઈડિંગ હીલ-ફ્લાઇંગ માટે પેરાગ્લાઈડિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ P4, SIV ટ્રેનિંગ તેમજ ટેન્ડમ વર્કશોપ ટ્રેનિંગની સર્ટિફિકેટની લાયકાત હોવી જોઈએ. જ્યારે ટેન્ડરમાં માત્ર P3 બેઝિક સર્ટિફિકેટની માંગણી કરવામાં આવી છે. જે સોલો પાઈલોટ માટેની લાયકાત છે. જ્યારે આ ટેન્ડર ટેન્ડમ હિલ ફ્લાઈંગનું હોવાથી P3 લેવલે આવનારા પ્રવાસીઓની સલામતી માટે જોખમરૂપ છે. શરત નં.૨ અને ૩માં પેરાગ્લાઈડિંગ અનુભવનો વર્ક ઓર્ડર તેમજ કમ્પ્લેશન સર્ટિફિકેટની માંગણી હોવી જોઈતી હતી.
સાપુતારામાં ટેન્ડમ હીલ પેરાગ્લાઈડિંગ ફ્લાઇંગનું ટેન્ડર રદ કરવા બાબતે ડાંગ જિલ્લા પેરાગ્લાઈડિંગ એડ્વેન્ચર એસોસિએશન સાપુતારાના પાઈલોટ્સે ડાંગ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. છેલ્લાં બાર વર્ષથી સ્થાનિક એસોસિએશન દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે, છતાં સાપુતારા નોટિફાઈડ કચેરી દ્વારા વિચિત્ર શરતો સાથે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આથી ડાંગ જિલ્લાના સ્થાનિક યુવાનોની રોજગારી છીનવાઈ જવાનો ભય સેવાતાં ડાંગ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સાપુતારામાં પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થતાં સ્થાનિકોને રોજગારી મળતી થઈ એ સારી વાત છે. પરંતુ સ્થાનિકોની રોજગારી ઉપર કેટલાંક બહારનાં તત્ત્વો તરાપ મારી રહ્યાં છે. ત્યારે આ બાબતે સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. છેલ્લાં ૧૨ વર્ષથી સાપુતારામાં પેરાગ્લાઈડિંગની પ્રવૃત્તિ ચાલી આવે છે. બાર વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ડાંગ આવ્યા ત્યારે સાપુતારામાં પેરાગ્લાઈડિંગ પ્રવૃત્તિ ચાલી શકે તેવી શક્યતા જણાતાં તેમણે સાપુતારા ખાતે પેરાગ્લાઈડિંગ શરૂ કરી રોજગારી મેળવવાના હેતુથી ડાંગ જિલ્લાના ૨૦ જેટલા યુવાનોને પેરાગ્લાઈડિંગ ઉડાડવા માટેની તાલીમ આપવા માટે સરકારમાંથી ગ્રાંટ ફાળવી હતી.
એ બાદ ડાંગ કલેક્ટરના હસ્તે મૂકવામાં પેરાગ્લાઇડિંગ પ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. બાદ તાલીમ પામેલા સ્થાનિક યુવાનો દ્વારા ડાંગ જિલ્લા પેરાગ્લાઈડિંગ એડ્વેન્ચર એસોસિએશન-સાપુતારાની રચના કરવામાં આવી હતી. આ એસોસિએશન થકી સાપુતારા ખાતે ગુજરાત ટુરિઝમ તેમજ નોટિફાઈડ એરિયા કચેરી-સાપુતારા દ્વારા બહાર પાડવામાં આવેલું ટેન્ડર ભરી સરકારની પરવાનગીથી રોજગારી મેળવી રહ્યા છે. અને સંચાલનની કામગીરી પણ સફળ રહી છે. આ એસોસિએશન દ્વારા 60 થી વધુ યુવાનને રોજગારી આપવામાં આવી રહી છે. સાપુતારામાં રોજગારી માટેના આવા જૂજ વિકલ્પ છે.

હાલ સાપુતારા નોટિફાઈડ કચેરી દ્વારા તા.૨૦/૧૨/૨૦૨૩ના રોજ ટેન્ડમ પેરાગ્લાઈડિંગ હીલ-ફ્લાઇંગનું ટેન્ડર પાડવામાં આવ્યું છે. તેની શરતો જોતાં દર વખતે ગુજરાત ટુરિઝમ તેમજ નોટિફાઈડ કચેરી-સાપુતારા દ્વારા પેરાગ્લાઈડિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવતું હતું તે કરતાં તદ્દન અલગ શરતો હાલનાં ટેન્ડરમાં મૂકવામાં આવી છે. જેથી કોઈ એક ચોક્કસ એજન્સી ની મેળાપીપણામાં ષડયંત્ર રચી ટેન્ડર પદ્ધતિ તેમજ શરતો નક્કી કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. ટેન્ડરની શરતો જોતાં સ્પષ્ટ દેખાય છે કે, તંત્ર દ્વારા આ એજન્સીને ટેન્ડર લાગે તેવી વ્યૂહરચના કરી શરતો મૂકવામાં આવી છે. જેનાથી સ્થાનિકોની રોજગારી છીનવાઈ જશે.
હાલનું ટેન્ડર રદ કરી આજદિન સુધી સાપુતારા ખાતે પેરાગ્લાઈડિંગનું ટેન્ડર જે શરતો મુજબ ચાલી આવ્યું છે તે શરતો મુજબ નવું ટેન્ડર બહાર પાડવા ડાંગ જિલ્લા કલેક્ટરને ડાંગ જિલ્લા પેરાગ્લાઈડિંગ એડ્વેન્ચર એસોસિએશન સાપુતારાના પાઈલોટ્સે લેખિત રજૂઆત કરી છે. જેથી સ્થાનિક એસોસિએશન ટેન્ડરમાં ભાગ લઈ ટેન્ડર ભરી શકે. વધુમાં જણાવ્યું છે કે, હાલનું ટેન્ડર રદ કરવામાં ન આવે તો ડાંગ જિલ્લાના સ્થાનિક યુવાનોની રોજગારી છીનવાઈ જાય તેમ છે. જો રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો સ્થાનિક યુવાનોએ રોજગારી માટે લડત ઉપાડવાની ચીમકી આપી છે. એ સાથે મુખ્યમંત્રી, ગુજરાત પ્રવાસન વિભાગના મંત્રી, ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્ય અને સાપુતારા નોટિફાઇડ વિભાગના ચીફ ઓફિસરને નકલ રવાના કરાઈ છે.