મહેસાણા જિલ્લાના નવાપુરા ગામે પ્રાથમિક શિક્ષકો સતત ગેરહાજર રહીને તેમના સ્થાને અન્ય પ્રોક્સી શિક્ષકને ઓછા પગારે રોકીને બાળકોને ભણાવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે ખાતાકીય તપાસને અંતે ખાતાકીય પગલા લઇને બાળકોના ભવિષ્ય સાથે ચેડાનો ગુનો ગણીને ગેરહાજર રહેનાર બે શિક્ષકો સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા છે.
પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિક્રારી,બીઆરસી,સીઆરસી અને બે શિક્ષકોને પ્રોક્સી મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેથી આ ઘટનાની ગંભીરતા લઈ પોલીસે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિક્રારી ,બીઆરસી, સીઆરસીની સંડોવણી બહાર આવશે તો તેઓની પણ ધરપકડ કરવામાં આવશે.
હજુપણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ પ્રકારે પ્રોક્સી શિક્ષક કૌભાંડ ચાલતા હોવાની સંભાવના છે. જો કે, આવા શિક્ષકોથી લઇને વહીવટી તંત્ર સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હોય તે રાજ્યનો પ્રથમ કિસ્સો છે.