Congress : ટોપથી લઈને બોટમ સુધી એક પછી કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અને સંપૂર્ણ વિરોધાભાસી વિચાર ધરાવતા ભાજપનો ભગવો ખેસ ધારણ કરી રહ્યા છે. ભાજપમાં આનંદોત્સવ છે કે કોંગ્રેસની સતત વિકેટ લઈ રહ્યા છે તો કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસના નેતાઓ આટલા મોટા બવંડરને કેમ શાંતિથી મૂગા મોઢે જોઈ રહ્યા છે? શું કોંગ્રેસ હાઈકમાન્ડે પણ કોંગ્રેસના નેતાઓને મનવાવાના બદલે જતા કરી દીધા છે.
વાત માત્ર ગુજરાતની નથી. પરંતુ દેશમાં પણ કોંગ્રેસ છોડો ભાજપ ભરો અભિયાનની શરુ કરી દેવાયું છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતાં ભાજપને કોંગ્રેસમાંથી ઉછીના નેતાઓ લેવાની જરુર પડી રહી છે. મોદી સરકારનો દાવો છે કે અનેક વિકાસ કાર્યો કર્યા છે, ઘણા બધા કામો થયા છે. સરવાળે-ભાગકારે મોદી સરકાર અને ભાજપ સંગઠનને હજુ પણ કોંગ્રેસના નેતાઓની ભરતી કરવી પડી રહી છે. કોંગ્રેસ છોડો, ભાજપ ભરો અભિયાની ભીતરમાં કોંગ્રેસનું રિનોવેશન પણ એક રીતે થઈ રહ્યું હોવાની હકીકત ભાજપે જોવાની રહે છે.
પાછલા 30 વર્ષથી કોંગ્રેસમાં કોઈ નવી નેતાગીરી જોવા મળી રહી નથી. વર્ષોથી એકનાં એક નેતાઓ કોંગ્રેસમાં જામી પડ્યા હતા અને યુવાનોને પણ તેમાં મોકો આપવામાં આવતો ન હતો. કેટલાક યુવાનોને તક આપવામાં આવી પણ તેમાંય વળી જૂથબંધી અને ગોડાધરિયા કલ્ચરના લોકોને જ મહત્વ આપવામાં આવ્યું હતું.
આ વખતે કોંગ્રેસ હાઈકમાન્ડ આક્રમક લાગે છે. જે થવાનું હોય તે થાય પણ જે લોકો પક્ષ છોડવાના નામે, રાજીનામા આપાવાના નામે જે પ્રેશર ટેક્ટિક્સ અપનાવતા આવેલા છે તેમના પ્રેશરને જરા પણ મચક આપ્યા વિના કોંગ્રેસમાં નવા નેતાઓને તૈયાર કરવામાં આવે. કોંગ્રેસ છોડવાના ન્યૂઝ હવે ઔપચારિક બની ગયા છે. આ ઉપરાંત ભાજપમાં એવા નેતાઓ પણ જઈ રહ્યા છે કે જેઓ પોતાના મત વિસ્તારમાં બહુ વજન ધરાવતા નથી. તેઓ વજન ગુમાવી ચૂક્યા છે અથવા તો તેમની રાજકીય કેરિયર અસ્તાચળે પહોંચી ગઈ છે. ભાજપે તમામનો સંગ્રહ કરવાનું ચાલુ રાખ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો હવે ગુજરાત ભાજપમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા,બલવંતસિંહ રાજપુત,રાઘવજી પટેલ, હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી, અર્જુન મોઢવાડિયા, જયરાજસિંહ પરમાર, મોહનસિંહ રાઠવા, નારાણ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા,અશ્વિન કોટવાલ, પ્રભુ વસાવાનું રાવણું ભાજપમાં છે. ભાજપ કોંગ્રેસ યૂક્ત થઈ ચૂકી છે. આવનાર દિવસોમાં ભાજપમાં રહેલા કોંગ્રેસીઓ જ ડ્રાઈવિંગ સીટ પર જોવા મળે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં. હજુ પણ ભાજપમાં કોંગ્રેસીઓનો આવવાનો ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે. ભાજપના નેતાઓ ખૂશ થઈ રહ્યા છે કે કોંગ્રેસની ખલાસ થઈ રહી છે. પણ પ્રશ્ન એ થાય છે કે ખરેખર કોંગ્રેસ ખલાસ થઈ રહી છે? ખુદ ભાજપના નેતાઓને પૂછીએ તો તેઓ પણ સવાલનો જવાબ નકારમાં આપે છે. તેઓ કહે છે કે આવી રીતે કોંગ્રેસ ખલાસ નહીં થાય પણ ઉલ્ટાનું કોંગ્રેસના રિનોવેશનનું કામ ભાજપનાં નેતાઓ કરી રહ્યા છે.
કોંગ્રેસના યુવા નેતાઓ પણ કહી રહ્યા છે કે હવે કોંગ્રેસમાં યુવાનોને તક મળશે. અત્યાર સુધી હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સંગઠન તથા પાર્ટીથી દુર થઈ ગયેલા યુવાનો અને સિનિયર કોંગ્રેસીઓને મોકો મળશે.
લોકસભાની ચૂંટણી ટાણે જે નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે તેમને લઈને કોંગ્રેસને કેટલું નુકશાન થાય છે એ મહત્વનું છે. ગુજરાતમાં પાછલી બે ટર્મથી ભાજપ 26 માંથી 26 સીટ જીતી રહ્યું છે, હવે કોંગ્રેસીઓના પ્રવેશથી ભાજપને આનાથી વધુ કોઈ ફાયદો થવાની શક્યતા હાલ તો દેખાતી નથી. કારણ કે 26 સીટ જ જીતવાની છે અને આ તમામ સીટ ભાજપ પાસે જ છે.