Gujarat : 14મી જાન્યુઆરીથી મણિપુરથી શરુ થયેલી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં ગુજરાતમાં પ્રવેશી છે. દાહોદમાં રાહુલ ગાંધીએ જન સભાને સંબોધન કર્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુસ્તાનમાં 50 ટકા લોકો પછાત છે. અંદાજે 8 ટકા લોકો આદિવાસી છે.15 ટકા લોકો દલિત છે. 73 ટકા દલિત, પછાત અને આદિવાસી લોકો છે. 15 ટકા માઈનોરિટી જોડી દો તો 90 ટકા થઈ જાય છે. જો હિન્દુસ્તાનની સૌતી મોટી કંપનીઓનું લિસ્ટ જોશો તો એમાં તેમના માલિકોના નામોમાં 90 ટકામાંથી એક પણ માણસ મળશે નહીં. ત્રણ-ચાર ટકામાંથી જ નામ મળશે. હિન્દુસ્તાન-ગુજરાતની કોઈ પણ કંપની જોઈ લો, સિનિયર મેનેજમેન્ટને જોઈ લો, મોટા મોટા અધિકારીઓ હોય છે તેમના નામ જોશો તો તેમાંથી એક પણ નામ તમને 90 ટકામાંથી જોવા મળશે નહીં.મીડિયામાં પણ આવી જ સ્થિતિ છે.
રાહુલ ગાંધીએ કહ્યું, “આ દેશમાં યુવાનોને રોજગારી મળી શકતી નથી.તમે બધાએ રામ મંદિરનું ઉદ્ઘાટન જોયું, ખરું? રાષ્ટ્રપતિ આદિવાસી છેને? શું તમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ત્યાં જોયા? તમે બધાએ જોયું? રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન બોલિવૂડના કલાકારો, ક્રિકેટરો જોવા મળ્યા પરંતુ તમે ત્યાં ગરીબ લોકો જોયા? આદિવાસીઓની વસ્તી આઠ ટકા છે પણ તેમને નોકરીમાં કોઈ મહત્વની જગ્યા મળતી નથી. પ્રાઈવેટ હોસ્પિટલ, પ્રાઈવેટ કંપનીમાં પણ આ 73 ટકા જોવા મળશે નહીં.
તેમણે કહ્યું કે જાતિ જન ગણના થવી જોઈએ. આનાથી બધાને ખબર પડી જશે કે કોણ ક્યાં છે. કેટલી સંસ્થામાં અમારા આટલા લોકો છે. દલિત, ગરીબ, જનરલ કાસ્ટ, પછાત અને આદિવાસી અને બધાને જ ખબર પડી જશે કે તેમના લોકોને ક્યાં કેટલું સ્થાન મળે છે. હું કહું છું તો પ્રધાનમંત્રી કહે છે કે હિન્દુસ્તાનમાં કોઈ જાતિ નથી. એમના ઉદ્યોગપતિ મિત્રોએ ઈશારો કર્યો અને તેમણે કહી દીધું હિન્દુસ્તાનમાં કોઈ જાતિ નથી માત્ર અમીરો અને ગરીબો છે.
રાહલુ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીને એરપોર્ટ, પોર્ટ, માઈનિંગ, પાવર જનરેશન, વિન્ડ પાવર, સોલાર પાવર, રેલ્વે એમ જ્યાં પણ જૂઓ ત્યાં એક જ વ્યક્તિ જોવા મળશે.બેથી ત્રણ લોકોને બધું જ ધન આપી દેવામાં આવી રહ્યું છે. ચાર હજાર કિલો મીટર ચાલ્યો છું. દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. બીજો મુદ્દો મોંઘવારી છે. આ દેશમાં યુવાનોને રોજગારી મળી શકતી નથી. નોટબંધી લાગુ કરી, જીએસટી લાગુ કરી દીધો. તમારા ગજવામાંથી રુપિયા લઈ ગયા અને તમને ખબર પણ પડી નહીં. 18 ટકા જીએસટી લાગુ કરી દીધી.