સમગ્ર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. ત્યારે હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદે ભારે કરી છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગનાં વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેરને કારણે લોકોએ બફારાથી ઘણી રાહત મેળવી છે.
વરસાદને કારણે વાતાવરણમાં પણ સાર્વત્રિક ઠંડક પ્રસરાઇ ગઇ હતી. તદુપરાંત વહેલાસર વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત પણ ખુશ જોવા મળી રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રમાં વરસાદ રાહતની સાથે આફત પણ બની રહ્યો છે. જેમાં અલગ-અલગ જગ્યાએ 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જ્યારે બીજા બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે રેલમછેલ કરી નાખી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રની જેમ દરરોજનાં હળવેકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાનાં ધરમપુરમાં 3.2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 1 ઇંચથી વધારે વરસાદ સુરતનાં મહુવા અને માંગરોળમાં નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 87 સ્થળે વરસાદ નોંધાયો છે