સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે આજે આણંદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી આકાશમાં અંશતઃ વાદળો છવાતા જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી. જો કે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિ.સે.થી ઉપર રહેતા બપોરના સુમારે ગરમીનું જોર યથાવત રહેવા પામ્યું હતું. આગામી દિવસો દરમ્યાન જિલ્લામાં ગરમી વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
એપ્રિલ માસની શરૂઆત થતાં જ સમગ્ર આણંદ જિલ્લામાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી તેમાંય છેલ્લા એક સપ્તાહથી મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો નોંધાતા તાપમાનનો પારો ૪૧ ડિ.સે. સુધી પહોંચી જતા જિલ્લાવાસીઓએ કાતિલ ગરમીનો અનુભવ કર્યો છે. જો કે મહત્તમ તાપમાન ૪૦ ડિ.સે. રહેવા સાથે આજે વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો.
વહેલી સવારે આકાશમાં અશંતઃ વાદળો છવાતા જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી. વાદળોની આવન-જાવન વચ્ચે ભેજનું પ્રમાણ ઘટતા ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. બપોરના સુમારે પણ વાદળો તથા સૂર્યદેવતા વચ્ચે સંતાકૂકડીનો ખેલ ચાલતો હોય તેવો નજારો જોવા મળ્યો હતો.
જો કે મહત્તમ તાપામાન ૪૦ ડિ.સે.થી ઉપર રહેતા જિલ્લાવાસીઓએ બાફ અને ઉકળાટનો સામનો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત ૧૧ એપ્રિલને ગુરૂવારના રોજથી જિલ્લાનું મહત્તમ તાપમાન ધીમે-ધીમે વધી રહ્યું છે. તેમાં પણ ગત શનિવારના રોજ મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિ.સે.ને પાર કરી ગયો હતો. ત્યારબાદ છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન ૪૦ ડિ.સે.થી ઉપર રહેવા પામ્યું છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૦.૫ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૨.૫ ડિ.સે. નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા, પવનની ઝડપ ૩.૭ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૦.૧ રહેવા પામ્યો હતો. આકાશમાંથી વાદળો હટતા પુનઃ તાપમાનનો પારો ઉચકાશે અને કાળઝાળ ગરમી પડશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે ખેડા જિલ્લામાં આજે તાપમાનમાં ઘટાડો થતા ચરોતરવાસીઓએ થોડી રાહતનો અનુભવ કર્યો હતો. દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેતા હીટવેવમાં શાતા વર્તાઇ હતી. ૪૨ ડિગ્રીએ પહોંચેલ ગરમીનો પારો આજે દિવસ દરમ્યાન ૩૮ રહ્યો હતો. જે ઘટીને રાતે ૨૪ થી રપ ડીગ્રીએ પહોંચવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
આજે સવાર થી જ સૂરજદાદા વાદળો સાથે સંતાકૂકડી રમતા જોવા મળ્યા હતા. જેને કારણે દિવસ દરમ્યાન તાપમાનનો પારો ઘટયો હતો. છેલ્લાં એક અઠવાડિયામાં સવારે ૩૬-૩૭ ડિગ્રીએ રહેતું તાપમાન બપોર થતા ૪૪ ડિગ્રી અને સાંજે પાછું ૩૮ ડિગ્રીએ પહોંચતું હતું. સાંજે તાપમાન ઘટતું હોવા છતાં સમગ્ર વાતાવરણ હીટવેવમાં જ રહેતું અનુભવાતુ ંહતું. આ કારણે હીટસ્ટ્રોકના પણ અનેક દર્દીઓ નોંધાયા છે.
ડીહાઇડ્રેશન, હાઇ બીપી, ઝાડા-ઉલ્ટી, લુ લાગવી જેવા અનેક બિમારીને કારણે દવાખાનાઓ ઉભરાયા છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ભરબપોરે ૪૪ ડિગ્રીએ પહોંચેલું તાપમાન આજે સવારથી જ ૩૭-૩૮ ડિગ્રી રહ્યું હતું. તાપમાન ઘટતા જ ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠેલા ચરોતરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.