અનલોક-1માં ખાનગી શાળાઓમાં હવે એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આરટીઇ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને ખાનગી સ્કૂલમાં ૨૫ ટકા પ્રમાણે પ્રવેશ આપવાનો નિયમ છે. આ પ્રવેશ પ્રક્રિયા દર વખતે ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થઈ જતી હતી. જો કે, પ્રથમ કોરોના મહામારીના કારણે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા હાલમાં થઈ શકી નથી. એટલું જ નહીં આરટીઈની પ્રવેશ પ્રક્રિયા અંગે રાજ્યના શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. આમ શિક્ષણ વિભાગના મૌનના કારણે ગરીબ બાળકો સાથે ભારે અન્યાય થઈ રહ્યો છે. કારણ કે, ખાનગી સ્કૂલો દ્વારા પ્રવેશ આપવાનું બાળકોને શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી વાલીઓ હવે મૂંઝવણમાં છે કે પ્રવેશ મેળવી લેવો કે શું કરવું ? સુરતની 600 શાળાઓની 15 હજાર બેઠકો માટે હજી પણ આરટીઈની સીટો ખાલી છે. જે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આરટીઈ અંતર્ગત કઈ રીતે પ્રવેશ મેળવવો એ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ફીને લઈ શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી છે. બીજી તરફ ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓને એવી ધમકીઓ આપવામાં આવી રહી છે કે જો તમે પ્રવેશ નહીં મેળવો તો પછી એડમિશન ફુલ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણના અધિકાર કાયદા અંતર્ગત રાજ્યની ખાનગી સ્કૂલોમાં ગરીબ બાળકોની એક લાખ કરતાં વધારે બેઠકો રિઝર્વ રાખવાની હોય છે. પરંતુ આ બાળકોના પ્રવેશ અંગે જાણે કે શિક્ષણ વિભાગને રસ જ ના હોય તેમ તાજેતરમાં બાળકોને સ્કૂલમાં ૧૫મી ઓગસ્ટ સુધી નહીં જવા અંગેની જાહેરાત કરી છે. પરંતુ આરટીઈ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને પ્રવેશ ક્યારે અને કેવી રીતે આપવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ડીઈઓ કચેરી તરફથી શાળાઓને આ અંગે હદી સુધી કોઈ નોટિફિકેશન આપવામાં આવ્યું નથી
ડીઈઓ કચેરીના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હજી આ અંગે રાજ્ય સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. આ વર્ષે આરટીઈની એડમિશન પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. વાલીઓએ એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. જો કે, એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે ન્યૂઝ પેપરમાં જાણ કરવામાં આવશે.