ગુજરાત સરકારની સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ખૂબ જ હલકા પ્રકારનું અનાજ વેચવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદો વર્ષોથી થઇ રહી છે. આજે પણ સૌરાષ્ટ્રના ધંધુકા ખાતે આવી જ એક ગંભીર ઘટના બની છે. જેના આધારે સ્પષ્ટ થાય છે કે સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ધનેરા અને જીવાત પડેલા ઘઉંનું વેચાણ કરવામાં આવે છે.
ધંધુકાની સથવારા સોસાયટીમાં (પટેલવાડી) રેશનિંગની દુકાન ચલાવતા ચૌહાણ મહેશભાઈ. એલ. તેમની મનમાની ચલાવે છે. બિલકુલ ઢોર પણ ના ખાય તેવુ અનાજ વિતરણ કરે છે. તેમની દુકાને એક કાર્ડ ધારક વ્યક્તિ પોતાની પત્નીને લઈને ઘઉં લેવા ગયો હતો પરંતુ ઘઉંમાં પડેલી સંખ્યાબંધ જીવાતો અને ધનેરા જોઈને તેમણે આ ઘઉં લેવાનો ઇનકાર કરી દીધો હતો તેમજ કહ્યું હતું કે મને સારા ઘઉં આપો પરંતુ દુકાનદારે દાદાગીરી કરતા કહ્યું કે તારે લેવા હોય તો આજ ઘઉં લેવા પડશે બીજા નહીં મળે આથી કાર્ડધારકે દલીલ કરી હતી કે પશુ કે ઢોર પણ ના ખાય એવા ઘઉં તમે માણસને ખવડાવો છો.
આથી દુકાનદારે ધમકી આપી કે હું તારું કાર્ડ અહીંથી રદ કરી દઈશ તારે મારી દુકાને આવવું નહીં હું આવા જ ઘઉંનું વેચાણ કરીશ. તારાથી થાય તે કરી લે તું વીડિયો ઉતારીને વાયરલ કરી દે. તું મુખ્યમંત્રીને ફરિયાદ કર હું આવા જ ઘઉં આપીશ. આથી કાર્ડ ધારક યુવકે પણ કહ્યું કે હું શા માટે બીજી દુકાનમાં જાઉં મારું કાર્ડ અહીં હોવાથી હું અહીં જ આવીશ અને તમારે મને સારી ગુણવત્તાવાળા ઘઉં આપવા પડશે.
રેશનિંગના દુકાનદાર અને કાર્ડધારક વચ્ચે લાંબી મગજમારી ચાલી હતી. આમ છતાં દુકાનદાર એકનો બે ન થયો નહોતો ત્યારબાદ રેશનકાર્ડ ધારકે સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડીંગ કરી લઈને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધુ છે. હવે બધાની નજર સરકાર પર મંડાઇ છે.
પુરવઠા ખાતુ કે તેના મંત્રી રેશનિંગની દુકાનોમાં વેચાઇ રહેલા આવા જીવાતવાળા ઘઉંનો જથ્થો પરત લઈને સારી ગુણવત્તાવાળો જથ્થો આપે છે કે કેમ તે બાબત પણ આગામી દિવસોમાં ખબર પડી જશે.