રાજ્યમાં શાળાની બસ કે પ્રવાસ જતી લગ્જરીઓના અકસ્માતના સમાચાર અવરનવાર આવતા રહે છે. ત્યારે પંચમહાલના જાબુઘોડના નારુકોટ પાસે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર આવી રહ્યા છે.
દેવગઢબારીયાની કાલિયા કોટા પ્રાથમિક શાળાના બાળકોને લઇ પ્રવાસે જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક સ્કૂલ બસને અથડજાઇને પલટી ખાઇ ગયો હતો. અકસ્માતના પગલે બસના ડ્રાઇવર અને શિક્ષકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઇ વિદ્યાર્થીઓને ઇજા થઇ ન હતી.
તમને જણાવી દઇએ કે, અકસ્માતગ્રસ્ત બસમાં લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે, બસ ડ્રાઇવરની સમય સુચકતાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં અકસ્માત સ્થળે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા અને વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પ્રાથમીક શાળાના બાળકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ રહ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.