વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ સવારે 10 વાગ્યે અડાલજ ખાતે અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ અન્નપુર્ણા માતાજીના મંદિરનું લોકાર્પણ કરશે. તો બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં શ્રમયોગી યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ યોજનાનો આરંભ કરાવ્યા બાદ જનસભાને સંબોધશે. વસ્ત્રાલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મોદી મધ્ય પ્રદેશના ઈન્દોર જવા રવાના થશે. તેમણે રાત્રી રોકાણ ગાંધીનગરમાં રાજભવનમાં કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાજ્યની પહેલી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી. અમદાવાદમાં ગઈકાલથી મેટ્રો ટ્રેનના પહેલા તબક્કાનો પ્રારંભ થયો છે. જો કે 6 માર્ચથી સામાન્ય લોકો મેટ્રોમાં મુસાફરી કરી શકશે. વડાપ્રધાન મોદીએ મેટ્રોમાં બેસીને મુસાફરી પણ કરી. હાલ પ્રથમ તબક્કો વસ્ત્રાલ ગામ થી એપરલ પાર્ક સુધી શરૂ કરાયો છે.
પ્રથમ તબક્કામાં વસ્ત્રાલ ગામથી શરૂ થઈને વસ્ત્રાલ, નિરાંત ચોકડી, રબારી કોલોની, અમરાઈ વાડી અને એપરલ પાર્ક એમ કુલ 6 સ્ટેશનનો સમાવેશ થાય છે. આ મેટ્રો ટ્રેન સંપૂર્ણ ઓટોમેટેક સંચાલિત છે. જોકે ટ્રેન પાયલટની હાજરી રહેશે. જ્યારે ઉદ્ધાટનમાં વડાપ્રધાનની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે.