રાજદ્રોહ કેસની સુનાવણી કરી રહેલી અમદાવાદની સ્થાનિક કોર્ટે મુખ્ય આરોપી અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના પૂર્વ સંયોજક અને હવે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ આજે બિન જામીનપાત્ર વૉરન્ટ ફરીથી ઈસ્યૂ કર્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ બી જે ગણાત્રાની કોર્ટે આ મામલે અગાઉ 7 ફેબ્રુઆરીએ પણ બિનજામીન પાત્ર વૉરન્ટ ઈસ્યૂ કર્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, GMDC ખાતે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલી હિંસા બાદ રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ સહિત અનેક પાટીદાર બંધુઓ પર લાદવામાં આવેલા રાજદ્રોહ કેસની ટ્રાયલ દરમિયાન હાર્દિક પટેલ શનિવારની મુદ્દતમાં ગેરહાજર રહ્યો હતો. આથી કોર્ટે અગાઉ કાઢેલું બિન-જામીનપાત્ર વોરંટ ફરીથી ઈસ્યુ કર્યું છે.
જણાવી દઈએ કે, ગત 20મી જાન્યુઆરીના રોજ અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ લાદવામાં આવેલા રાજદ્રોહના કેસની ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેતા કોર્ટે તેની વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વૉરન્ટ ઈસ્યુ કર્યું હતું. જ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી.