Shankar Singh Vaghela: શંકરસિંહ વાઘેલા નવી દુકાન ખોલવાનું કરી રહ્યા છે પ્લાનિંગ, બનાવશે નવો રાજકીય મંચ
Shankar Singh Vaghela: શંકરસિંહ વાઘેલાનું કાયમ સૂરસૂરિયું થઈ જાય છે, દરેક વખતે તેઓ કશાકને કશાક ગતકડાં કરતા જોવા મળે છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે શંકરસિંહ વાધેલા ફરી એક નવી દુકાન ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
Shankar Singh Vaghela: લોકસભાની ચૂંટણીમાં ભાજપને ક્ષત્રિયોએ નવનેજા પાણી ઉતારી દીધા હતા. ભાજપની સરકાર અને સંગઠન ક્ષત્રિયોમાં ભંગાણ પડાવવા મેદાને પડ્યા પરંતુ તેઓ 100 એ 100 ટકા ફાવ્યા ન હતા. ભાજપની ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસો સંપૂર્ણપણે સફળ રહ્યા ન હતા.
શંકરસિંહ વાઘેલા પાછલા એક મહિના દરમિયાન સપાના વડા અખિલેશ યાદવને મળ્યા અને ત્યાર બાદ ગાંધીનગર સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા.અમિત શાહને મળ્યા બાદ તેમણે મીડિયા સમક્ષ આ મુલાકાતને ઔપચરિક અને બિનરાજકીય ગણાવી હતી. પરંતુ આ મુલાકાત બાદથીજ શંકરસિંહ વાધેલા નવાજૂની કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને ગણતરીના દિવસોમાં વાત એવી બહાર આવી રહી છે બાપુ હવે નવો મંચ સ્થાપવા જઈ રહ્યા છે.
બાપુની વાત કરીએ તો આરએસએસ, જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીથી શરુઆત થઈ
અને છેક 1995ના બળવો અને ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવીને મુખ્યમંત્રી બન્યા. પાછળથી કોંગ્રેસમાં જોડાયા. અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે ફરી બળવો કોંગ્રેસમાંથી બળવો કર્યો, કોંગ્રેસ છોડી અને જન વિકલ્પ મોરચા નામની પાર્ટી બનાવી. વિધાનસભાની ચૂંટણીમાં 90 કરતાં વધારે ઉમેદવારો ઉભા રાખ્યા, તમામની ડિપોઝીટ સુદ્વા જપ્ત થઈ ગઈ હતી. બાપુ આટલેથી અટક્યા નહીં, રાજકીય રીતે સક્રીય રહેવા તેમણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાયા અને ત્યાર બાદ ફરી એક વાર અપેક્ષા મુજબ એનસીપી છોડી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી. બાપુની રાજકીય સફર તો બહુ લાંબી છે પરંતુ હાલકૃડોલક અને વેરવિખેર તથા બળવા અને છોડ-પકડથી છલોછલ છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ શંકરસિંહ વાઘેલા જન વિકલ્પ મોરચાની જેમ જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં નવો સામાજિક અને રાજકીય મંચ બનાવવા જઈ રહ્યા છે અને ક્ષત્રિય સમાજને આ મંચ પર એકત્ર કરવા માટે તેઓ ક્ષત્રિય રાજવી પરિવારના મેળાઓ યોજવાનું આયોજન કરી રહ્યા છે.દેખીતી રીતે શંકરસિંહ વાઘેલાના રાજકીય કદ અને હવે જાહેર રાજકારણમાં કેટલું ઉપજે છે તે સૌ કોઈ જાણે છે. જોકે, તેમણે પોતે સ્વીકાર્યું છે કે મારાથી ભાજપ-કોંગ્રેસને કોઈ ફાયદો કે નુકશાન નથી. હવે આ મંચ પરથી બાપુ કોને ફાયદો કે નુકશાન પહોંચાડે છે એ તો સમય જ કહેશે.