દેશમાં જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત થઈ રહી હતી ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટિલે સુરતમાં 5000 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શન લોકોને મફતમાં આપવાની જાહેરાત પર રાજકરણ ગરમાયું હતું. હવે આ મુદ્દે શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પણ ભાજપ તથા પાટિલ પર આકરા પ્રહાર કર્યા હતા.શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે,‘એક તરફ દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે. મહારાષ્ટ્રમાં પણ લોકો મેડિકલ સ્ટોર અને હોસ્પિટલો બહાર લાઈનમાં ઉભા રહી ઈન્જેક્શન મેળવવા પ્રયાસ કરતા જોવા મળી રહ્યાં છે. આ સમયે ગુજરાતમાં ભાજપ પ્રમુખ રાજકીય પક્ષના કાર્યાલયમાંથી અમદાવાદ, સુરત અને ભરુચ જેવા સ્થળે મફતમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપી રહ્યાં છે. ભાજપના કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેક્શન જઈ શકે છે. પરંતુ મહારાષ્ટ્ર, છત્તિસગઢ જેવા બિનભાજપી શાસિત રાજ્યોમાં નથી જઈ શકતા.’સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. ત્યારે સીઆર પાટીલે 5000 રેમડેસિવિર ઇન્જેક્શન જરૂરિયાતમંદ લોકોને આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી રાજકારણ ગરમાયું છે. વિપક્ષે સરકાર અને સીઆર પાટીલ પર આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ માંગ કરી કે, માનવજાતના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાં પાટીલ સહિત તમામ વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઇએ.
