ગુજરાત કોંગ્રેસમાં હાલમાં જ જોડાયેલા હાર્દિક પટેલ આજ સવારથી સમાચારોની હેડલાઈન બની ચૂકેલો છે. અનશન અને પાટીદારો માટે અવાજ ઉઠાવનાર હાર્દિક પટેલ આ વખતે થપ્પડના કારણે ચર્ચામાં આવ્યો. હાર્દિક પટેલને પણ ખબર નહોતી. તે ભાષણ આપવામાં મગ્ન હતો તેવામાં એક યુવક લુકાછુપી સીડીઓ ચડી સ્ટેજ પર આવી ચડ્યો. અને હજુ કોઈ કંઈ વિચારે તે પહેલા જ તેણે હાર્દિક પટેલને સણસણતો તમાચો મારી દીધો.
તમાચો માર્યા બાદ એ યુવક ટોળાથી ઘેરાઈ ગયો હતો અને ટોળાએ માર મારવાની શરૂઆત કરી દીધી હતી. હાર્દિકને માર માર્યા બાદ તેણે પ્રતિકાર કરવાની કોશિષ કરી હતી પણ બાદમાં ટોળાએ ભેગા થઈ હાર્દિકને તમાચો મારનારને ખંખેરી નાખ્યો હતો. તેને અર્ધનગ્ન કરી માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેને પોલીસને હવાલે કરાયો હતો. પોલીસે પણ તેને પડેલા માર બાદ હોસ્પિટલે ખસેડ્યો હતો.
વઢવાણમાં હાર્દિક પટેલ પર હુમલો કરનાર શખ્સ તરૂણ ગજ્જરનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. તરૂણ ગજ્જર જાસલપુરમાં ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ છે અને ડેપ્યુટી સરપંચ છે. ભાજપના વર્તમાન સાંસદ જયશ્રી પટેલ સાથે પણ ફોટો વાયરલ થયો છે. તરૂણ ગજ્જર કડી તાલુકાના જાસલપુર ગામનો વતની છે. તરૂણ ગજ્જર ગામમાં છૂટક ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે જાતિ વિષયક ટીપ્પણીથી સમાજમાં થયેલા વિભાજનથી ગુસ્સે ભરાયેલો હતો. તેણે હાર્દિકને થપ્પડ મારતા સમયે 14 પાટીદારો મરી ગયા. 14 પાટીદારોનો ભરખી ગયો તેમ પણ કહ્યું હતુ.