રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર. આમ તો પોરબંદર લોકસભા બેઠક પરંપરાગત રીતે ભાજપની જ બેઠક રહી છે. છેલ્લા 3 દાયકામાં 2009ની ચૂંટણીના અપવાદ સિવાય અહીં સતત ભાજપનો જ ભગવો લહેરાતો રહ્યો છે. પોરબંદર પર પટેલ. આહિર અને રાજપૂત સમાજનું પ્રબળ વર્ચસ્વ છે. આથી જ કોંગ્રેસ હવે જ્ઞાતિ-જાતિના ગણિતના અઘરા દાખલા ઉકેલી ભાજપ પાસેથી આ બેઠક આંચકી લેવા આતુર છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિઠ્ઠલ રાદડિયાનો કાંધલ જાડેજા સામે 2 લાખ 67 હજાર 971 મતની જંગી સરસાઇથી વિજય થયો હતો. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદર લોકસભા અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ભાજપ પર 24 હજાર 918 મતની વળતી સરસાઇ મેળવી હતી. પોરબંદર લોકસભા હેઠળની ધોરાજી. માણાવદર તેમજ કુતિયાણા બેઠક પર ભાજપને ભારે નુકસાન થયું હતું. 2014 બાદ ભાજપના કુલ 2 લાખ 92 હજાર 889 મત ભાજપથી કોંગ્રેસ તરફ વળ્યા છે.
પોરબંદર બેઠક પર મુખ્યત્વે પટેલ. આહિર અને રાજપુત સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. આથી કોંગ્રેસ જો આ ત્રણેય જ્ઞાતિના સમીકરણો ધ્યાને રાખીને યોગ્ય ગણિત ગણે તો ભાજપને ભારે ટક્કર આપી શકે. બીજી તરફ 2017ની ચૂંટણીમાં ફટકો પડ્યા બાદ ભાજપે પણ પોરબંદર પર પ્રભુત્વ જાળવી રાખવા યોગ્ય રણનીતિ ઘડવી પડશે.