સમગ્ર વર્ષની મહેનત બદલ આ પરિણામ મળશે તેવો વિદ્યાર્થીઓને સ્વપ્ને પણ ખ્યાલ નહીં આવ્યો હોય.રાજકોટથી વીરપુર હાઈવે તેમજ ગોંડલ હાઈવે પર બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલી ઉત્તરવહીઓ રસ્તા પર રખડતી સ્થિતિમાં મળી આવી આવતા ખળભળાટ મચી ગયો છે. બોર્ડ દ્વારા ઉત્તરવહીઓ એકસ્થળેથી બીજા સ્થળે સલામત રીતે લઈ જવામાં આવતી હોય છે તો પછી વિરપુર અને ગોંડલ હાઈવે પર મળી આવેલી ઉત્તરવહીઓ ઈરાદાપૂર્વક ફેંકવામાં આવી છે કે પછી ઉત્તરવહીઓ લઈ જતી વખતે બેદરકારી દાખવવામાં આવી છે તે તપાસનો વિષય બન્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક તપાસ માટે ઉત્તરવહીઓ મળી આવે તે સ્થળે જવા રવાના થઈ ગયા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે આ મામલે જણાવ્યું છે કે ઘટના અંગે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટથી વિરપુર તરફ જતા હાઈવે પાસે ઓવરબ્રિજ નજીક બોર્ડના વિદ્યાર્થીઓએ લખેલી ગુજરાતીની ઢગલાબંધ ઉત્તરવહીઓ મળી આવી હતી. આ જ પ્રકારે ગોંડલ હાઈવે પર શિતળા માતાજીના મંદિર પાસેથી ઉત્તરવહીના ત્રણ થેલા મળી આવ્યા હતા. હાઈબોન્ડ સિમેન્ટ કંપનીના ડ્રાઈવરને આ અંગે જાણ થતા તેણે વિદ્યાર્થીઓનું ભાવી ખરાબ ના થાય તે માટે જાણ કરી હતી. કેટલીક ઉત્તરવહીઓ ફાટી ગયેલી સ્થિતિમાં મળી આવેલ છે. પ્રાથમિક તપાસ મુજબ આ ઉત્તરવહીઓ પર બારકોડ લગાવેલા છે અને તે મહેસાણા જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓએ લખી હોવાનું જણાય છે. જો કે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થઈ શકે તેમ છે.