Summer vacation special ST bus : ઉનાળાની રજામાં ફરવા જવું છે? ST બસ તૈયાર છે યાત્રા માટે!
Summer vacation special ST bus : ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમ રાજ્યના નાગરિકો માટે વિશાળ પ્રમાણમાં વધારાની બસ સેવાઓની વ્યવસ્થા કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની દેખરેખ હેઠળ ST નિગમ દ્વારા મુસાફરો માટે સલામત, આરામદાયક અને સમયસર મુસાફરી સુનિશ્ચિત કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અંદાજે 1400થી વધુ વધારાની બસો દોડશે
એસ.ટી. નિગમના જણાવ્યા પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાંથી મુસાફરોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને કુલ 1400થી વધુ એક્સ્ટ્રા બસ ટ્રિપ્સ દોડાવવાનું આયોજન થયું છે. જેમાંથી સુરતથી સૌરાષ્ટ્ર માટે અંદાજે 500 ટ્રિપ્સ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત માટે 210, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત માટે 300 અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ પણ 300 ટ્રિપ્સ દોડાવવામાં આવશે.
ધાર્મિક અને પ્રવાસન સ્થળો માટે ખાસ બસ સેવાઓ
ઉનાળાની રજાઓમાં લોકો શ્રદ્ધા સ્થળો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે પણ ST દ્વારા ખાસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી અંબાજી, દ્વારકા અને સોમનાથ માટે રોજની 10 ટ્રિપ્સ, જ્યારે ડાકોર, પાવાગઢ અને ગીરનાર માટે રોજની 5 બસ ટ્રિપ્સનો સમાવેશ થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, સાસણગીર, દીવ અને કચ્છ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો માટે પણ અમદાવાદથી દરરોજ 5થી 10 બસોની નિયમિત ટ્રિપ્સ ચલાવવાનું આયોજન કરાયું છે.
આંતરરાજ્ય મુસાફરી માટે પણ ખાસ આયોજન
ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાં મુસાફરી કરવા ઇચ્છતા નાગરિકો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. જેમાં અમદાવાદથી માઉન્ટ આબુ અને સુન્ધામાતા માટે રોજની બે ટ્રિપ્સ, તથા શિરડી, નાશિક અને ધુલીયા માટે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનથી દરરોજ બે ટ્રિપ્સ ચલાવવામાં આવશે.
નિગમના તંત્ર દ્વારા આગોતરું આયોજન
વિશાળ ટોળાંને સંભાળવા અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નિગમના દરેક વિભાગે આગોતરું આયોજન કરેલું છે. તમામ બસો સમયસર, સ્વચ્છ અને સુરક્ષિત રીતે ચાલે તે માટે નિયત સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે