દક્ષિણ ગુજરાતની સૌથી સમૃદ્ધ સહકારી સંસ્થા સુમુલ ડેરીમાં સત્તા મેળવવા માટે ભાજપનાં બે જૂથમાં ખરાખરીનો જંગ જામ્યો છે. સુમુલ ડેરીના માજી ચેરમેન અને પૂર્વ સાંસદ માનસિંહ પટેલ દ્વારા વર્તમાન ચેરમેન રાજુ પાઠક પર 1000 કરોડનો ભ્રષ્ટાચારનો કથિત આક્ષેપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખવામાં આવેલા પત્રમાં કરવામાં આવ્યો હતો. તે પછી રૂપાણી સરકારમાં બે કેબિનેટ મંત્રી ગણપત વસાવા, ઈશ્વર પરમાર, સુરત જિલ્લા પ્રભારી સી.આર.પાટીલ, માનસિંહ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ, બે સુગર મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ ભાવેશ પટેલ અને કમલેશ નાયક, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ અને તાપી જિલ્લા પ્રમુખ જયરામ ગામીત સહિતના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને ફરિયાદ કરતાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારને સમાધાન માટે શુક્રવારે સુરત મોકલવામાં આવ્યા હતા.
જ્યાં ગણપત વસાવા જૂથ દ્વારા સુરતના જિલ્લા રજિસ્ટ્રાર કમલેશ પટેલની બદલી કરવાની માંગ કરાઈ હતી. આ માંગણીને સ્વીકારી લઇ સુમુલના ચેરમેન રાજુ પાઠકે તમામને ચોંકાવી દીધા હતા. જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ બંને પક્ષે સુમુલની ચૂંટણીના મામલે સમાધાનની તમામ ફોર્મ્યુલા ફગાવી હતી અને ફેન્ડલી ચૂંટણી લડવાની વાત કરી હતી. પ્રભારી સમક્ષ બંને પક્ષે પોતાની પેનલ બનાવી દેવામાં આવી હોવાની વાત પણ રજૂ કરવામાં આવી હતી.
તેના પગલે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે ચૂંટણીનો મામલો હાઇકમાન્ડ પર છોડવાનું જણાવ્યું હતું. દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ મોડી રાતે સુરતના જિલ્લા રજિસ્ટ્રાર કમલેશ પટેલની જામનગર બદલી કરવામાં આવી હતી અને તેમના સ્થાને સુરતના હાઉસિંગ રજિસ્ટ્રાર વિપુલ મહેતાની બદલી સુરતના રજિસ્ટ્રાર તરીકે કરવામાં આવી છે. મહેતાને તાપી જિલ્લા રજિસ્ટ્રારનો ચાર્જ પણ યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયને લીધે ગણપત વસાવા અને માનસિંહ પટેલ જૂથનો હાથ ઊંચો રહ્યો હોવાની સહકારી ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઇ છે. જો કે, સુમુલની ચૂંટણીના મામલે કોઇ પણ પ્રકારનું સમાધાન ટાળી પોતાનો લડાયક મિજાજ દર્શાવી દીધો હતો.