સુરતની કોર્ટે ગુજરાતના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો આપ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર પોર્ન ફિલ્મ જોઇને રેપ કરનારા આરોપીને 29 દિવસની અંદર જ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સોમવારે આરોપીની 7 દિવસની ટ્રાયલ પૂર્ણ થતા દોષી ઠેરવવામાં આવ્યો હતો. મંગળવારે ચુકાદો આપતા કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
પાંડેસરા-વડોદમાં એક મહિના પહેલા અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના ગુનામાં 38 વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને સોમવારે કોર્ટે દોષી ઠેરવ્યો હતો અને મંગળવારે ચુકાદો મુલતવી રાખ્યો હતો. આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતા કહ્યુ કે આરોપીએ બાળકીની નહી પણ ભારતના ભવિષ્યની હત્યા કરી છે.
આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે અને તેને મહત્તમ એવી ફાંસીની સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હોય.