ગાંધીનગર તાજેતરમાં સરકાર દ્વારા કર્મચારીઓને હાજર થવા બાબતે કરવામાં આવેલા આદેશોનું પાલન કરતાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ સરકારની ગાઈડ લાઈન મુજબ, કર્મચારીઓને હાજર થવા માટેનો પરિપત્ર કર્યો હતો. જે મુજબ 20 એપ્રિલથી વર્ગ 1 થી 4 ના કર્મચારીઓ સરકારના ધરાધોરણો મુજબ જીટીયુ ખાતે હાજર થયા હતાં.
દેશ આખો કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે તેનો ફેલાવો ના થાય તે માટે જીટીયુ દ્વારા સ્વાસ્થ સુરક્ષાલક્ષી તમામ પ્રકારના પગલાં ભર્યા છે. જેના કારણે આવા વિકટ સંજોગોમાં ફરજ પર હાજર થયેલા કર્મચારીઓનું સ્વાસ્થ સુરક્ષીત રહે. જેના અનુસંધાને જીટીયુમાં પ્રવેશ દ્વાર પર જ ઈન્ફારેડ થર્મોમીટર ટેમ્પરેચર ગનથી કર્મચારીનું તાપમાન માપવામાં આવે છે, તથા તેને સંપૂર્ણપણે સેનિટાઈઝ કર્યા બાદ જ યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત કાર્યાલયમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
જીટીયુમાં ફરજ બજાવતાં વર્ગ 1 અને 2 ના કર્મચારીઓને જરૂરીયાત મુજબ તથા વર્ગ 3 અને 4ના કર્મચારીઓને 33% હાજરીના ધોરણે બોલાવવામાં આવ્યા છે. જીટીયુ કર્મચારીઓનું સ્વાસ્થ તંદુરસ્ત રહે તે બાબતને પ્રાથમિકતા આપે છે. જેના માટે દરેક કર્મચારીને માસ્ક , હેન્ડ ગ્લોઝ અને જીટીયુના ફાર્મસી વિભાગ દ્વારા બનાવેલા “જીટીયુ સેનિટાઈઝર”નું પણ વિતરણ કરાયું છે.
આ ઉપરાંત લોકડાઉનના સમય દરમિયાન તથા સરકારનો નવો કોઈ આદેશ ના થાય ત્યાં સુધી જીટીયુના દરેક કર્મચારીઓ આ કાર્યપ્રણાલીને અનુસરીને કામ કરશે. મુલાકાતીઓ માટે યુનિવર્સિટીમાં હાલના સમયે પ્રવેશ નિષેધ છે.
જીટીયુ દ્વારા લાગુ કરાયેલા ટેમ્પરેચર મેપિંગ અને સેનિટાઈઝના તમામ પ્રકારના નિયમોનુ પાલન કુલપતિ થી લઈને વર્ગ-4 ના દરેક કર્મચારી દ્વારા કરવામાં આવી રહ્યું. એ રીતે તેઓ કોરોના નાબૂદીના અભિયાનમાં પરોક્ષ રીતે મદદરૂપ થઈ રહ્યા છે