જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્યમાં રાજકારણ ગરમાય રહ્યું છે. એમાં પણ ઠાકોર સમાજની નારજગી કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બની ગઇ છે. અલ્પેશ ઠાકોરે હાથ છોડ્યા બાદ હવે મહેસાણાના બહુચરાજી સીટના ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મહેસાણા ઠાકોર ક્ષત્રિય સેનામાં મોટું ગાબડું પડ્યાનું સામે આવ્યું છે. બહુચરાજી સીટ પર ક્ષત્રિય ઠાકોર સેના સહિત ઠાકોર કોમના હોદેદારો ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. મહેસાણા જિલ્લા પંચાયતના બહુચરાજી બેઠકના કોંગ્રેસના સભ્ય રામાજી ઠાકોર ભાજપમાં જોડાયા છે. રામાજી ઠાકોર મહેસાણા જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસના ચેરમેન છે.
ઠાકોર સેનાને ભાજપમાં જોડાવવાનું આ ઓપરેશન બહુચરાજી ખાતે પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલ અને ભાજપના જુગલ ઠાકોરે પાર પાડ્યું હોવાની ચર્ચા જાગી છે. થોડા સમય પહેલા જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ તેણે સ્પષ્ટ કહ્યું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં, એવામાં સ્થાનિક ઠાકોર આગેવાનો અચાનક ભાજપમાં જોડાતા અનેક ચર્ચાઓ જાગી છે.