છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત ૪૦ ડિગ્રીએ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીને કારણે ઘણાં લોકો ડીહાઈડ્રેસનનો ભોગ બની રહ્યાં છે. સરકારના આરોગ્ય વિભાગ અને તેની સાથે સંકળાયેલી એજન્સીઓ પણ લોકોને લીંબુ શરબત જેવા પ્રવાહી વધુ પ્રમાણમાં લેવા સૂચના આપી રહી છે. પરિણામે લીંબુના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થવા પામ્યો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જમાલપુરના વેપારીઓ કહે છે કે, ‘જે રીતે એપ્રિલ મહિનાથી જ ગરમીમાં વધારો થયો છે. તેને કારણે શહેરની લીંબુની વપરાશમાં રોજીંદો ૧૦થી ૧૫ ટન વપરાશમાં વધારો થયો છે.’
અગાઉ અમદાવાદ શહેર અને જિલ્લાની આસપાસના વિસ્તારોમાં કુલ ૩૦થી ૩૫ ટન લીંબુની વપરાશ હતી. પરંતુ ગરમી વધી જતાં હાલ તે વપરાશ ૪૫થી ૫૦ ટન જેટલો થયો છે. આથી શાકભાજીના હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવમાં પણ વધારો થયો છે.
તેઓ ઉમેરે છે કે ‘અમદાવાદમાં મોટેભાગે મહેસાણા અને ભાવનગરથી લીંબુ આવે છે પરંતુ આ બંને જિલ્લામાંથી લીંબુની આવક જૂન અને જુલાઈમાં શરૃ થશે. જેથી હાલમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકથી લીંબુનો જથ્થો આવે છે. જેથી લેબર ચાર્જ, ટ્રાન્સપોર્ટેશન અને ઇંધણના ભાવને કારણે એકંદરે રૃ. ૫૫થી રૃ. ૬૫ નો ભાવ જથ્થાબંધ માર્કેટમાં કિલોદીઠ જોવા મળી રહ્યો છે.’
વળી, ગરમીને કારણે લીંબુની રોજીંદી આવકની સામે તેટલી ખપત પણ છે. જથ્થાબંધ માર્કેટમાંથી લીંબુ શહેરના નાના-મોટા શાકભાજી માર્કેટમાં પહોંચે છે. ત્યારે તેનો ભાવ કિલોદીઠ રૃ. ૧૧૦થી ૧૨૦ જેટલો થઇ જાય છે.