ગુજરાત શિક્ષણ બોર્ડએ માર્ચ 2019માં લીધેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 21મી મે, મંગળવારે જાહેર કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે આઠ કલાકે જાહેર થશે. પરિણામની જાહેરાતના પગલે આશરે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓની કારકિર્દીની દિશા નક્કી થશે.
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ના પરીક્ષા સચિવે અખબારી યાદીમાં જણાવ્યું છે કે,‘ધો 10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોના ગુણપત્રકોનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળોએ મંગળવારે સવારે 11થી પાંચ દરમ્યાન કરવામાં આવશે. ધોરણ 10 અને 12 સાયન્સના પરિણામની જાહેરાત બાદ હવે સામાન્ય પ્રવાહનું પરિણામ બાકી રહે છે.