એક બાજુ, આ વર્ષે ઓછા વરસાદને લીધે ગુજરાતભરમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે. ભરઉનાળે ડેમો ક્રિકેટના સ્ટેડિયમમાં તબદીલ થયા છે. હવે ચોમાસા પર જ બધુય નિર્ભર છે. ભડલીવાક્યો,ગ્રહ-નક્ષત્રોની યુતિ અને વનસ્પતિના લક્ષણો આધારે આગાહીકારોએ એવી આગાહી કરી છેકે, ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ પ્રમાણમાં નબળુ રહેશે. એટલું જ નહીં, ૧૫મી જૂનથી નહી પણ ૨૦મી જુલાઇએ વરસાદનુ ગુજરાતમાં આગમન થવાના એંધાણ છે.
વરસાદના ગર્ભ,હુતાસણીનો પવન,અખાત્રીજનો પવન આધારે વરસાદનો એવો વર્તારો છેકે, ચોમાસાની શરુઆતમાં જ વરસાદ ખેંચાશે. ૧૫મી જુલાઇથી ગુજરાતમાં મધ્યમસર વરસાદના યોગ છે. ૧૫મી સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સારો વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ૫થી ૮ આની વરસાદ થવાની શકયતા છે.
આ વર્ષે દેશના ઘણાં ભાગોમાં અલ્પવૃષ્ટિ-ખંડવૃષ્ટિ જયારે અમુક ભાગમાં મધ્યમ વરસાદ વરસશે. કચ્છમાં આ વખતે સારો વરસાદ પડે તેવા એંધાણ છ પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ પ્રમાણમાં વરસાદ વરસશે. જેઠ-અમાસમા ચોમાસુ નબળુ રહેશે પણ ભાદરવામાં વરસાદ મન મૂકીને વરસી શકે છે.
સૂર્ય-મંગળની યુતિના અંગારક યોગ હોવાથી વરસાદની ખેંચ થઇ શકે છે. આ વખતે ખેડૂતો માટે માઠા સમાચાર છેકે, વાવણીલાયક વરસાદ થાય તેમ નથી.ટૂંકમાં ગુજરાતમાં ૪૦-૫૦ ટકા વરસાદ પડે તેવા યોગ છે. ૨૦મી ઓક્ટોબરે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે.