જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં ગૌવંશ કતલ થતી હોવાની પૂર્વ બાતમીને આધારે આજે સવારે સિટી પોલીસે બે જુદી જુદી જગ્યાએ છાપો મારતા એક જગ્યાએથી બે મહિલાઓ અને બીજી જગ્યાએથી એક શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે બંને જગ્યાએથી થઈ ૧૦ શખ્સો નાશી ગયા જતાં પોલીસે બંને જગ્યાએથી કતલ કરવાના જુદા જુદા સાધનો, ઢોરની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાતા ૩ વાહનો તેમજ ૫૩૮ કિલો માંસ થઈને કુલ ૩ લાખ છાંસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરેલા અને ૯ વાછરડાંને જીવતા બચાવી લીધા હતા.
જેતપુર શહેરનો નવાગઢ વિસ્તાર એટલે આખા સૌરાષ્ટ્રમાં ગૌવંશનું કતલ કરીને માંસ પહોંચાડવામાં નંબર વનનું સ્થાન ધરાવે છે. થોડા દિવસ પૂર્વે રાજકોટના ભરૂડી ટોલ નાકા પાસે પોલીસે બે મહિલાઓને ગૌમાંસ સાથે પકડી પાડેલ. તેની પુછપરછમાં બંને મહિલાઓએ માંસ નવાગઢથી લાવી હોવાની કેફિયત આપી હતી.
ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગૌવંશની તસ્કરીમાં નવાગઢનો એક શખ્સ તો સંકડાયેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલે જ છે એટલે નવાગઢ ગૌવંશની કતલ કરીને વેચવાનું હબ થઈ ગયું છે. જેમાં પોલીસને બાતમીની ક્યારેક જ સફળ રેઈડ થતી હોય છે. આજે પણ સિટી પોલીસને બાતમી મળતા પીઆઈ વી.કે. પટેલ સહિતના સ્ટાફે બે જુદી જુદી જગ્યાએ છાપો માર્યો હતો.
જેમાં એક જગ્યાએ પોલીસે દરવાજો ખોલીને અંદર જતા બે મહિલા સહિત પાંચ શખ્સો ગૌવંશની કતલ કરતા હતા. પોલીસને જોઈને ત્રણ શખ્સો નાશી ગયા હતા જ્યારે બે મહિલા પકડાઈ ગઈ હતી. જેના નામ પોલીસે પુછતા રોશન અલી લાખાણી અને તેની પુત્રી આશિયા અને નાશી ગયેલાઓમાં ઈમ્તિયાઝ રફીક લાખાણી, જાબીર અલી લાખાણી અને તૌફીક ઉર્ફે ભૂપો ઈકબાલ લાખાણી જણાવેલ હતા. પોલીસે અહીંથી ૧૫૦ કિલો ગૌવંશનું કતલ કરેલ માંસ એક મોટરકાર અને કતલ કરવાના જુદા જુદા ઓજાર સહિત કુલ રૂપિયા ૩૦૨૨૫નો મુદ્દામાલ કબ્જે લીધેલ તેમજ ફળિયામાં કતલ કરવા માટે બે વાછરડાઓને જીવતા બચાવી લીધેલા હતા.
બીજી જગ્યાએ પોલીસે છાપો મારતા ત્યાં પણ પોલીસને જોઈ ગૌવંશને કતલ કરતા શખ્સો નાશવા લાગેલા હતા. જેમાં પોલીસે પીછો કરી એક શખ્સને પકડી પાડેલો હતો. જેનું નામ પુછતા સિકંદર ગુલમામદ તરખવાડિયા હોવાનું તેમજ નાશી ગયેલાઓમાં સબીર ગુલમામદ તરખવાડિયા, અશફાક ગફાર તરખવાડિયા, રજાક સુલેમાન કારવા, રપીક હબીબ કારવા, અમીન ઓસમાણ તરખવાડિયા, અમીન હબીબ ખોરાણી અને ઈલ્યાસ જમાલ મુસાણી હોવાનું જણાવેલું હતું.
પોલીસે અહીંથી ૪૮૮ કિલો ગૌવંશનું કતલ કરેલ માંસ, ગૌવંશ કતલ કરવાના જુદા જુદા ઓજાર તેમજ બોલેરો જીપ સહિત કુલ રૂ. ૩,૩૫,૮૦૦નો મુદ્દામાલ કબજે લીધેલ તથા ફળિયામાં કતલ કરવા માટે રાખેલ ૭ વાછરડાઓને પોલીસે જીવતા બચાવી લીધેલા હતા.