ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ ચૂંટણીની ત્રણ વર્ષની મુદત માટે આવતીકાલ તા.૨૪ના રોજ મતદાન યોજાશે. જનરલ કેટેગરીની ત્રણ સીટ માટે ૧૦૬ મતદારો પ્રેફરન્શિયલ વોટિંગ સિસ્ટમ પ્રમાણે બેલેટ પેપરથી એકડો અને બગડો આપશે. મતદાન પુરું થયા પછી એકાદ કલાકમાં રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસને એક સીટ મળે તો બાકીની બે સીટ માટે ભાજપ તરફથી કોને મેન્ડેટ મળશે તે વિશે ચારેય ઉમેદવાર દાવા કરી રહ્યાં છે.
ત્રણ વર્ષ પહેલાં સિન્ડીકેટની મુદત પુરી થઈ ત્યારે સમરસના નામે ગોઠવણ પાડી દેવામાં આવી હતી. હવે ફરી ચૂંટણી આવી ત્યારે સમરસ કરવાના બદલે કોંગ્રેસ પાસે વધુ મત હોવાની રજૂઆત થતાં શીર્ષસ્થ નેતાઓ પાસે બાજી ઉઘાડી પડી ગઈ હતી. જો કોંગ્રેસના મત વધુ હોય તો ત્રણ વર્ષ પહેલાં કેમ ખબર ન પડી ? આ પ્રશ્નનો કોઈ પાસે જવાબ નહોતો.
૩ સીટ પૈકી એક સીટ કોંગ્રેસને મળશે. બે સીટ માટે ભાજપમાં ૪ ઉમેદવાર છે. તેના કારણે તમામ ઉમેદવાર પોતાને મેન્ડેટ મળવાનો છે તેવો દાવો કરી રહ્યાં છે. પરંતુ કોને મેન્ડેટ મળશે તેનો આવતીકાલે ખ્યાલ આવી જશે. તેના કારણે બીજા ઉમેદવારે બગડા મેળવવા પડશે.