ભલે અમારા બે કરોડ રૂપિયા જાય, અમે પાકિસ્તાન જવાના નથી તેવું ગુજરાત ડાયસ્ટફ એસો.ના 53 વેપારીઓએ નક્કી કર્યું છે. છેલ્લાં ચાર વર્ષથી પાકિસ્તાનમાં ટ્રેડ શો યોજાય છે. આ વખતે પણ 9 અને 10 માર્ચના રોજ પાકિસ્તાનમાં યોજાનારા કલર એન્ડ કેમ એક્સ્પોમાં ભાગ લેવાના નથી. ત્યાં સુધી કે આ ટ્રેડ શોમાં ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસો.ના નામનો ઉલ્લેખ નહીં કરવા પાકિસ્તાન કેમિકલ્સ એન્ડ ડાઇઝ મરચન્ટ એસોસિએશનને જાણ કરી દીધી છે. આ વેપારીઓએ પાકિસ્તાનના વીઝા કઢાવવા માટે આપેલા પાસપોર્ટ પાકિસ્તાનની એમ્બેસીમાંથી પરત મેળવવા ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને રજૂઆત કરાઇ છે.
ધી ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું હતું કે, ટ્રેડ શોમાં ગુજરાતમાંથી 53 વેપારીઓ ભાગ લેવાના હતા. એક્સ્પોમાં બે લાખથી માંડીને 5 લાખની રકમના 30 સ્ટોલ રાખ્યા હતા. ત્યાં સુધી કે પાકિસ્તાન જવા માટેની ફ્લાઇટની ટિકિટ પણ કઢાવી લીધી હતી. આતંકવાદી હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. આ દુ:ખદ ઘટનાના પગલે એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં ‘દેશ પહેલાં’ તેને ધ્યાનમાં રાખીને જ અમે ટ્રેડ શોમાં નહીં જવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તામાં મહિને આશરે 50 કરોડ જેટલા ડાયસ્ટફની નિકાસ થાય છે. પાકિસ્તાન સાથે ધંધાકીય સંબંધો અંગે ભવિષ્યમાં વિચારાશે.