વડોદરામાં વર અને કન્યાએ માસ્ક પહેરીને લગ્ન કર્યાં હતા. લગ્નમાં આવેલા તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા. આ ઉપરાંત જાનૈયાઓ માટે ખાસ સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ મનસ્વી પાર્કમાં રહેતા સોનુને પરિવારે પોતાની લાડકવાઇ દીકરીનાં લગ્ન પ્રસંગમાં કંઇક એવું કરી બતાવ્યું કે જેનાથી સૌ કોઇને પ્રેરણા મળે. સમગ્ર દેશ દુનિયામાં હાલ કોરોના વાઇરસનાં ભયનો માહોલ છે. સરકાર દ્વારા પણ લોક જાગૃતિનાં અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે નાગરિકો પણ સરકાર સાથે હાથથી હાથ મિલાવીને જીવલેણ કોરોના વાઇરસ સામે બચવાના બનતા પ્રયાસો કરી રહ્યાં છે.
આજે વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર રહેતા ભરતરાવ સોનુનેની લાડકવાઇ દીકરીનાં લગ્ન હતા ત્યારે અમદાવાદનાં પાલડી વિસ્તારમાંથી વરરાજા જાનૈયાઓ સાથે વાજતે ગાજતે જાન લઇને આવ્યા હતા ત્યારે સોનુને પરિવાર દ્વારા ભેટ સોગાદનાં બદલે માસ્ક તેમજ સેનેટાઇઝર આપી જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાલ જ્યારે કોરોના વાઇરસનો કહેર છે ત્યારે લોકો ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળી રહ્યાં છે. પરંતુ લગ્ન જેવાં પ્રસંગોમાં ભીડ ટાળવી શક્ય નથી ત્યારે લગ્નમાં આવતાં લોકોને હેન્ડ સેનેટાઇઝર અને માસ્ક આપી કોરોનાથી સુરક્ષિત રાખવાનાં સોનુને પરિવારનાં આ પગલાંની સરાહના થઇ રહી છે.