Vadodara: વડોદરા જેવા શહેરોમાં ભારે પૂરની સ્થિતિ પાછળના મુખ્ય કારણો, IIT ગાંધીનગરે કર્યો મોટો ખુલાસો
Vadodara: ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક શહેરો અને જિલ્લાઓ જળબંબાકાર થી ગયા હતા. લોકમાતાઓ રસ્તા પર વહેતી જોવા મળી રહી છે ત્યારે IIT ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા સંશોધનમાં વડોદરા સહિત અન્ય શહેરોમાં પુર જેવી સ્થિતિ માટેના જવાબદાર પરિબળો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
IIT ગાંધીનગરનાં સંશોધનમાં શું બહાર આવ્યું?
ગુજરાતમાં તાજેતરના પૂરને કારણે રાજ્યના ઘણા ભાગોમાં મોટા પાયે વિનાશ થયો હતો, અને તે માત્ર ભારે વરસાદને કારણે ન હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT-GN) ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ પૂરમાં ગંભીર હવામાનની સાથે શહેરી વિકાસ અને નબળી ડ્રેનેજ સિસ્ટમ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.
પૂર પાછળના કારણો
ગુજરાતમાં 20 અને 29 ઓગસ્ટની વચ્ચે ભારે વરસાદ થયો હતો, જેના પરિણામે રાજ્યના 33 માંથી 15 જિલ્લાઓમાં ત્રણ દિવસીય વરસાદનું સ્તર છેલ્લા 10 વર્ષની સરખામણીમાં વધુ હતું. આ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં પૂર આવ્યું હતું, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. જો કે, IIT ગાંધીનગરની ‘મશીન ઇન્ટેલિજન્સ એન્ડ રિસિલિયન્સ લેબોરેટરી’ (MIR લેબ) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે આ પૂરની તબાહી માત્ર વરસાદને કારણે નથી થઈ, પરંતુ અન્ય પરિબળો પણ તેમાં સામેલ છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે વડોદરા જેવા શહેરોમાં ભારે પૂરની સ્થિતિ વધુ ખરાબ બની હતી કારણ કે ત્યાંનો શહેરી વિકાસ પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં થયો હતો. આ સાથે જમીનની ઊંચાઈમાં ફેરફાર અને ઝડપી શહેરીકરણને કારણે પણ પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. તદુપરાંત, ડ્રેનેજ સિસ્ટમમાં અવરોધોને કારણે, પાણી યોગ્ય રીતે વહેતું નથી, જેના કારણે પાણી ભરાઈ ગયું છે.