વ્યારાથી માંડવી તરફ પગપાળા જતી 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પટાવીને બે યુવાનો તેણીને મોટરસાઇકલ ઉપર બેસાડી લઇ જઇ એક યુવાને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાની માતાએ વ્યારા પોલીસ મથકે કરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુાર તા.6-4-2019ના રોજ વ્યારા ખાતે સંબંધીના ઘરે રહેતી 16 વર્ષીય સગીરા કોઇક કારણોસર સંબંધીઓને કોઇપણ જાણ કર્યા વિના પોતાનાં માતા-પિતાના ઘરે જવા માટે નીકળી ગઇ હતી. વ્યારાથી પગપાળા જ માંડવી તરફ જઇ રહેલી સગીરાને કટાસવાણ ગામે અંતિક મૂળજીભાઇ ચૌધરી નામનો યુવાન તેના મિત્ર સાથે મળ્યો હતો.
અંકિતે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવીને પોતાની સાથે મોટરસાઇકલ ઉપર બેસાડીને લઇ ગયા હતા. સગીરાનું અપહરણ કર્યા બાદ તેણીને યુવાન બારડોલી અને દઢવાડા ગામે જુદા જુદા સ્થળે લઇ જઇ તેણીની મરજી વિરુદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે 15ના રોજ વ્યારા પોલીસ મથકે સગીરાની માતાએ અંકિત ચૌધરી સામે ફરિયાદ કરી હતી.