દિલીપ પટેલ
અમદાવાદ, 13 ઓગસ્ટ 2024
Vastrapur lake: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખડી સમિતિના અધ્યક્ષ અને ઔડાની અધ્યક્ષ હતા ત્યારે વસ્ત્રાપુરનું સુંદર તળાવ ખતમ થવા લાગ્યું હતું.
Vastrapur lake અમિત શાહ અહીંયા સાંસદ છે. ભૂપેન્દ્ર પટેલનો બોડકદેવ મત વિસ્તારમાં વસ્ત્રાપુર તળાવ આવે છે. જેને ઉંદરોએ કોરી ખાધું હવે નેતાઓ કોરી ખાય છે એવો ઘાટ થયો છે. કારણ કે અમદાવાદ શહેરના સત્તાવાળાઓની નિષ્ફળતાના કારણે તળાવને ઉંદરોએ કોરી ખાધું છે. તેનું સમારકામ કરવા માટે પહેલાં રૂ. 5 કરોડનું ખર્ચ નક્કી કરાયું હતું પછી તે વધીને હવે રૂ. 25 કરોડ થયું છે. તળાવનું નામ 6 મહિનામાં પૂરું કરવાનું હતું છતાં તેનું અડધું કામ થયું નથી. તેનું ખર્ચ 5 ગણું વધી ગયું છે.
ઉંદરોએ તમામ પેવર બ્લોકસ ઉખડી નાંખ્યા હતા. દીવાલો હલી ગઈ છે. જમીનમાં પોલાણ કરી દીધા છે.
વસ્ત્રાપુર તળાવ અને બગીચામાં ફરવા, સવારે કસરત, મ્યુઝિક શો, મોજ માણવા આવતા લોકો લોકો બિલાડી જેવડા મોટા ઉંદરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં ચાલવા આવતા લોકો કહે છે કે એક મીટરમાં અહીં 10 ઉંદરો રહે છે. જેને દૂર કરવા માટે અમપાએ કોઈ કામગીરી ન કરતાં ઉંદરોએ આ એક જ જગ્યાએ રૂ. 25 કરોડનું નુકસાન થયું છે.
તળાવ બનાવવા પૈસાનું પાણી કર્યું હતું.
છતાં તેમાં 13 વર્ષમાં બે જ વખત પાણી ભરાયું છે. લોકોને હવે મોટા ઉંદરોથી ડર લાગે છે, પણ શહેરને આર્થિક રીતે કોરી ખાતા ભગવા ઉંદરોથી પણ ડર લાગે છે. ચોમાસામાં વરસાદના કારણે દિવાલ ધરાસાઈ થઈ જાય એવી ભીતિ હતી.
પક્ષીઓની ચણ, લોકોનો નાસ્તો અહીં ઉંદરોના મોટા પ્રમાણમાં ખાવા મળતો રહ્યો છે. તેથી એક વર્ષથી ત્યાં રાત દિવસ વસ્તી વધતી રહી હતી. આસપાસના લોકો ઉંદરોને ખવડાવવા માટે આવતા હતા. આજ ઉંદરોએ તળાવ અને બચીગો ખોદી નાખ્યો છે. ઉંદરના દરના કારણે પોલાણ થઈ ગયા છે. જમીન ધરી સરી છે. ચારે બાજુ ઉંદરડાના દરો જોવા મળે છે. અમદાવાદનું ઉંદર લેક બની ગયું છે. લોકોએ રાતના સમયે અહીં આવવાનું બંધ કરી દીધું હતું. જમીન વરસાદ પડવાથી ખસકી ગઈ છે. બાંકડા ઉંધા પડી ગયા છે. વસ્ત્રાપુર તળાવમાં મૂશકરાજ શરૂ થઇ ગયું છે.
ખાણીપીણી બજાર, લારી આના માટે જવાબદાર છે. વધેલો ખોરાક ઉંદરો માટેનું ભોજન બની રહ્યો છે.
વસ્ત્રાપુર તળાવ માટે 20 વર્ષમાં રૂ. 90 કરોડ ખર્ચ કર્યો છે. દર વર્ષે અહીં લાખો રૂપિયા અવનવા પ્રોજેક્ટ માટે ખર્ચવામાં આવ્યા છે. જે બધા નકામાં થઈ ગયા છે. બીજો રૂ. 25 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.
અનેક વખત રજૂઆત કરવામાં આવી,
પરંતુ તેમ છતાં આ બાબતની સમસ્યાનું નિરાકરણ આવ્યું જ નથી. સ્થાનિક નેતાઓ સામે નારાજગી દર્શાવી રહ્યા છે. વસ્ત્રાપુરના સ્થાનિક કોર્પોરેટર દેવાંગ દાણી હાલમાં ખડી સમિતિના અધ્યક્ષ છે. તેમ છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ તેઓ લાવી શક્યા નથી. જે બાબતે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અધિકારીઓ ઉંદરો દૂર કરવામાં નિષ્ફળ રહ્યાં છે. અધિકારીઓને ઉંદરોએ હંફાવી દીધા છે. વસ્ત્રાપુરને આગવી ઓળખ ઉભી થઈ હતી. હવે ઉંદરોએ કાળું કલંક લાગવી દીધું છે.
5 કરોડનું ખર્ચ
હવે ફરીથી અમદાવાદના 23 વર્ષ જૂના વસ્ત્રાપુર તળાવમાં સુંદર વોક-વે અને નયનરમ્ય બનાવવામાં આવશે, રૂ. 5.15 કરોડનો ખર્ચ થવાનો હતો. 8 મહિનામાં તે ખર્ચ વધીને રૂ. 25 કરોડ કરી દેવામાં આવ્યો હતો.
6 મહિના બંધ
28 ફેબ્રુઆરીથી 27 ઓગસ્ટ 2024 સુધી મુલાકાતીઓ માટે 6 મહિના બંધ રાખવાનું હતું. છતાં હજુ કામ થયું નથી. 2022માં ભારે વરસાદ દરમિયાન તળાવને નુકસાન થયું હોવાનું સત્તાવાર રીતે કહે છે. પણ અંદર પાણી જઈ શકે તેમ નથી તો નુકસાન કઈ રીતે થયું હોય. ખરૂં કારણ એ છે કે તળાવની દેખરેખ રાખવામાં સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યાં હોવાથી અહીં હજારો ઉંદરે તળાવને ખોદી કાઢ્યું હતું.
ભવ્યતા નાશ થઈ
2003માં જ્યારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ વસ્ત્રાપુર લેકનો વિકાસ કર્યો હતો. લેક કોમ્પ્લેક્સમાં ચાર ફુવારાઓ લગાવવામાં આવ્યા હતા. એક એમ્યુઝમેન્ટ પાર્ક પણ બનાવવામાં આવ્યો હતો. હવે એક પણ ફુવારો કામ કરતો નથી. તળાવમાં વરસાદી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. તેનું સમારકામ કરવાનું છે. પહેલા તબક્કામાં રૂ. 5 કરોડ અને બીજા તબક્કામાં રૂ. 10 કરોડના ખર્ચે બગીચાનું સમારકામ અને નવીનીકરણ અને બ્યુટીફિકેશન કરવાનું હતું.
2018માં જ વસ્ત્રાપુર તળાવની ભવ્યતા નષ્ટ થઈ ગઈ હતી. પણ ચૂંટણી આવતી હતી તેથી સાંસદ અમિત શાહે પાણીથી ભરવા આદેશ કર્યો હતો. કરોડો રૂપિયાનું નર્મદાનું ખેડૂતોની સિંચાઈ અને પીવાનું કિંમતી પાણી અહીં વેડફી નાખવામાં આવ્યું હતું.
અહીં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવ્યા નવા તળાવમાં નાંખ્યા હતા.
ગટરનું પાણી
તળાવમાં કમિશનર વિજય નેહરાએ 2019માં ગટરનું પાણી નાખવાનું બંધ કરાવ્યું હતું ત્યાં સુધી અહીં 200 સોસાયટીઓની ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવ્યું હતું. 2019ની લોકસભાની ચૂંટણી આવે એટલે સફાઈ કરી. આ તળાના કામને કારણે શહેરના લોકોએ ભાજપને મત આપ્યા હતા.
વર્ષો સુધી ગટરનું ગંધ મારતું પાણી ઠાલવ્યા બાદ 2019માં વસ્ત્રાપુર તળાવ ની અંદર જ રોજના 5 લાખ લીટરનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. જેમાંથી બગીચાઓમાં આશરે 3 લાખ લીટર પાણીનો ઉપયોગ થઈ રહ્યો હોવાના સતત દાવા થતાં રહ્યાં હતા પણ તેમાં કોઈ વજુદ નથી.
બોરની અસર
બે ભારે વરસાદ બાદ તળાવની જળ સપાટીમાં 5 ફૂટ જેટલો વધારો થાય છે. જે 10 દિવસમાં અંદર ઉતરી જાય છે. કારણ કે પાસે જ રોજના 10 લાખ લીટર પાણી વાપરતી હોટેલના બોરમાંથી પાણી ચૂસાઈ જાય છે. આસપાસ બોર હોવાથી પાણી સુકાઈ જાય છે.
નર્મદા નહેરને વસ્ત્રાપુરથી અન્ય તળાવો સાથે જોડવા માટે ટેન્ડર બહાર પાડી કરોડોનું કામ આપવામાં આવ્યું હતું પણ અહીં પાણી જ નથી. બધું ખર્ચ નકામું ગયું છે. તળાવ બન્યું તેના બે વર્ષ શુદ્ધ પાણી રહ્યું પછી ગંદું પાણી રહેતું આવ્યું છે.
નરસિંહ મહેતા તળાવ
વસ્ત્રાપુર તળાવનું રાજકીય નામ ભક્ત કવિ નરસિંહ મહેતા તળાવ છે. પણ લોકો તો તેને વસ્ત્રાપુર તળાવ તરીકે જ ઓળખે છે.
સત્તાવાર નામ નરસિંહ મહેતાના નામ પરથી રાખવામાં આવ્યું છે. પણ અહીં નરસિંહ મહેતાના કાવ્યો અને સંગીત વાગતાં હતા તે તો 10 વર્ષથી બંધ છે. લાખો રૂપિયાની મ્યુઝિક સિસ્ટમ બંધ છે. તેથી લોકો દર રવિવારે અહીં 3 સ્થળે ગીતો ગાવાનો કાર્યક્રમ રાખે છે. 2013 માં, વસ્ત્રાપુર તળાવનું નામ બદલીને નરસિંહ મહેતાની યાદમાં ‘ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર’ રાખવામાં આવ્યું હતું, જેમની પ્રતિમા તળાવના બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી.
2022ના ચોમાસામાં નરસિંહ મહેતાની પ્રતિમાની પાછળની દિવાલ તૂટી હતી. કારણ કે દિવાલનું કામ તકલાદી હતું.
નર્મદાનું પાણી
સપ્ટેમ્બર 2019માં નર્મદા નહેરથી પાણીથી ભરવાની યોજના બનાવી. કરોડો રૂપિયાની પાઈપલાઈ નાંખવામાં આવી તે પડી રહી છે. નર્મદા નદીના ખેડૂતો માટે રખાયેલા કિંમતી પાણીને આ તળાવમાં વહેવા દેવામાં આવે છે. તળાવની આજુબાજુ પથ્થરના ઘણાં કામો સાથે સુંદર બગીચાઓ છે.
દર વર્ષે તળાવ સુકાઈ જાય છે. માછલી તેમાં રહી ન શકે એવું ગંદુ છે.
સવલત
ઓપન-એર થિયેટર છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિયમિતપણે થાય છે. ખાનગી ચિલ્ડ્રન્સ પાર્ક ધરાવે છે. ફિટનેસ સાધનો પણ ઉપલબ્ધ છે. તળાવના કિનારાની આસપાસની લીલીછમ લોન અમદાવાદના ફેફસાનું કામ કરે છે. સીસીટીવી, મ્યુઝિક કે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટ બંધ થઈ ગઈ હતી.
નૌકાવિહાર વિહાર બંધ
નૌકાવિહાર અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી હતી.
વોકવે
તળાવની કિનારે 600-મીટરનો વોકવે – રસ્તો છે જે સવાર અને સાંજે ઘણા વોકર અને જોગર્સ આવે છે. વસ્ત્રાપુર તળાવનો વોક-વે ઉંદરો દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો. વોકવેમાં મોટા ખાડાઓ છે અને તળાવના લગભગ તમામ દરવાજા અને રેલિંગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે. તળાવની દીવાલો તૂટી ગઈ હતી.
ઇતિહાસ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 2002 પછી તળાવને સુંદર બનાવવામાં આવ્યું હતું. ત્યારથી તે શહેરમાં એક લોકપ્રિય સ્થળ બની ગયું છે.
ગામની હયાતી
કાંકરિયા તળાવ લાંબા સમયથી અમદાવાદનો પર્યાય હતો. ત્યારબાદ વસ્ત્રાપુર આવ્યું અને છેલ્લા બે દાયકાથી વધુ સમયથી તે શહેરના પશ્ચિમ ભાગમાં જીવનનું કેન્દ્ર બની ગયું છે. અમદાવાદ શહેરમાં કોઈ ગામ ખેડૂતોનું અને મજૂરોનું હોય તો તે વસ્ત્રાપુર છે. ઠાકોર, રબારીઓ અને પટેલો વચ્ચે વહેંચાયેલી છે. મોટાભાગની વસ્તી ઠાકોરોની છે.
ખેડૂતોની જમીન પર ગૌરવ
વસ્ત્રાપુરના ખેડૂતોની જમીન પર દેશને બે પ્રતિષ્ઠિત સંસ્થા આપી છે – IIM-અમદાવાદ અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા. વસ્ત્રાપુરની જમીન પર ગુજરાત યુનિવર્સિટી સહિત 5 યુનિવર્સિટીઓ છે. આખા ગુજરાતને વસ્ત્રાપુરના ખેડૂતોની જમીન પર ભણીને શ્રીમંત થયું પણ અહીંયા ગામના લોકો આજે પણ ગરીબ અને ઘણા લોકો અભણ છે.
2002માં તળાવ બન્યું
વસ્ત્રાપુર ગામના લોકોના પાણીના વપરાશ માટે સદીઓ જૂનું આ તળાવ હતું. 1995 પછી વસ્ત્રાપુર ગ્રામ પંચાયત લાંબા સમયથી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ હતું. વસ્ત્રાપુર તળાવ જ્યાં છે ત્યાં 400 ગરીબ પરિવારોની મોટી ઝૂંપડપટ્ટી હતી. તળાવને સુંદર બનાવવા માટે ઔડાના તે સમયના અધ્યક્ષ અને ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલે બધા ગરીબોને 2002માં બુલડોઝરથી ખસેડી નાંખ્યા અને શ્રીમંત લોકો માટે સુંદર તળાવ બનાવ્યું હતું.