લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો તરફથી પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ, ફરજિયાત મતદાન કરવું એ માટે જાગૃકતા ફેલાવવાનું કામ ચૂંટણીપંચથી લઇને સેલિબ્રિટીઝ અને નેતાઓ કરી રહ્યાં છે, પરંતુ ગુજરાતમાં એક ગામ એવું પણ છે, જ્યાં વર્ષોથી ફરજિયાત મતદાન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જો કોઇ આ નિયમનો ભંગ કરે છે તો તેને 51 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે રાજકોટના આ રાજસમઢીયાળા ગામમાં 90થી 98 ટકા જેટલું મતદાન થાય છે.
રાજકોટથી અંદાજે 30 કિલોમીટરનાં અંતરે રાજ સમઢીયાળા ગામ આવેલું છે. જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજિયાત મતદાન કરવાનો નિયમ છે. ગામનાં મતદાતાઓ પણ મતદાનને પોતાની ફરજ માનીને ફરજિયાત મતદાન કરે છે, જેથી આ ગામમાં 85થી 90 અને 98 ટકા જેટલું ઉંચું મતદાન નોંધાયું છે. ગામની કમીટિ દ્વારા બનાવેલા નિયમો તોડવા મુદ્દે દંડ વસૂલવામાં આવે છે.