રાજદ્રોહ કેસમાં પાસના નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ થતાં કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો છે ત્યારે આ કેસમાં આજે મુદત હોવાછતાં હાર્દિક પટેલ હાજર રહ્યો ન હતો. જેથી કોર્ટે અગાઉ જારી કરેલું વોરંટ યથાવત રાખ્યું હતું. આ મામલે વધુ સુનાવણી 29મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેથી હવે પોલીસ હાર્દિકની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે.
રાજદ્રોહ કેસમાં ગત મુદતે ચાર્જશીટ કરવાની પરવાનગી આપતા અધિકારીની સર તપાસ સરકાર તરફે કરવામાં આવી હતી. તે દિવસે આરોપીઓ તરફે ઉલટ તપાસ માટે સમય આપવો જોઇએ તેવી માંગણી કરવામાં આવી હતી. જેથી કોર્ટે બે વખત મુદત આપી હતી. ત્યારબાદ હાર્દિક મુદતે ગેરહાજર રહેતા કોર્ટે વોરંટ ઇશ્યૂ કર્યું હતું. બીજી તરફ આજે કેસમાં મુદત હોવાથી દિનેશ બાંભણિયા હાજર રહ્યા હતા જ્યારે ચિરાગ ગેરહાજર રહ્યા હતા. અલબત્ત, તેના તરફે વકીલે મુદત માગતી અરજી કરી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી, પરંતુ હાર્દિક ગેરહાજર રહેતા સ્પે. સરકારી વકીલ અમિત પટેલે કોર્ટમાં આરોપી સામે વોરંટ રિ-ઇશ્યૂ કરવા અરજી આપી હતી.