સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘરાજાની મહેર વરસી હતી. ઉપલેટા પાસે ઢાંક, વંથલી તથા માળીયા હાટીનામાં તોફાની અઢી ઈંચ, માણાવદર, મેંદરડામાં, વિસાવદર વિસ્તારમાં દોઢથી ત્રણ ઈંચ, વરસાદ વરસ્યો છે. વિસાવદર પાસે પોપટડી નદીમાં પૂર આવ્યા છે. તાલાલામાં બે ઈંચ વરસાદથી એક મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ છે. કુતિયાણામાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ સાથે વર્તુ -ર ડેમમાં ઉપરવાસના વરસાદથી બે ફુટ નવા નીરની આવક થઈ છે. અમરેલી જિલ્લામાં લાઠીમાં પોણા કલાકમાં ૩।। ઈંચ વરસાદ પડયો છે.
ગઈકાલે રાત્રે મહેસાણા શહેરમાં ખાબકેલા ત્રણ ઈંચ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તેમજ ગોપીનાળા અને ભમ્મરિયા નાળામાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અટવાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. મહેસાણા તાલુકામાં વાવણી લાયક વરસાદ થઈ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
બુધવારે સાંજે અરવલ્લી અને સાબરકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. બંને જિલ્લામાં અડધાથી એક ઈંચ વરસાદ થતાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. વાવાઝોડાને કારણે ગાંભોઈ પંથકમાં કેટલાક મકાનોના પતરાં ઊડી ગયા હતા. મોડી સાંજે વરસાદ થતાં ટીંટોઈમાં ટેકાના ભાવે ઘઉં વેચવા ગયેલા ખેડૂતોના ઘઉં પલળી ગયા હતા.