ગુજરાત કોંગ્રેસ માટે એટલું બધું લખાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયામાં કોંગ્રેસને વિપક્ષ તરીકે પણ વગોવવામાં આવી રહી છે પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓની ઉંઘ ઉડી રહી નથી. વિધાનસભાની ચૂંટણીના પડઘમ અત્યારથી જ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો બિચારા બનીને ફરી રહ્યા છે. કોઈ દિશા નહીં અને નિર્દેશ નહીં. કાર્યકારી પ્રમુખો દે ઠોક નિર્ણયો લઈને મળતીયાઓને હોદ્દાઓની લહાણી કરી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસમાં જે કરંટ દેખાવું જોઈએ તે કરંટ દેખાતું નથી. નેતાઓ હજુ પણ ઓફિસ અને ફોન પોલિટીક્સમાં રચ્યા-પચ્યા હોવાનું વિદિત થાય છે. નવા કોંગ્રેસ પ્રમુખ ક્યારે આવશે તે કોઈ કહી શકતું નથી. રાષ્ટ્રીય પ્રમુખ સુદ્વાં કાર્યકારી હોય ત્યાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે વિચારણા કે ચર્ચા કરવાનું ખુદ કોંગ્રેસીઓ ટાળી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલના પ્રમુખ અમિત ચાવડા ચાલુ રહેશે એવી પણ ચર્ચા ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ભરતસિંહ સોલંકીના પ્રમુખ પદ દરમિયાન 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 81 થઈ હતી તે અમિત ચાવડાના પ્રમુખ પદ દરમિયાન 66 પર આવી ગઈ છે એટલે કે કોંગ્રેસને રોકડા 15 ધારાસભ્યો છોડીને જતા રહ્યા છે અને એટલા જ નેતાઓ કે કાર્યકરો કોંગ્રેસને રામ રામ કરી ગયા છે.અપક્ષ જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસની સાથે ગણીએ તો સંખ્યા 67 થાય છે.
હવે પરેશ ધાનાણી અને અમિત ચાવડા એક રીતે ધારાસભ્યો અને કોંગ્રેસને તૂટતી બચાવવા માટે નિષ્ફળ ગયા છે એ હકીકત ધારાસભ્યોના આયારામ ગયારામ પરથી જણાય છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસનો જનાજો નીકળ્યો તો પણ કોંગ્રેસના મોટા નેતાઓનું પેટનું પાણી હાલ્યું નથી.
હવે અહીં પ્રશ્ન થાય છે કે કોંગ્રેસને કેવા પ્રમુખ મળવા જોઈએ? ઓફિસ-ફોન પોલિટીક્સ કરે તેવા કે પછી લોકોની વચ્ચે જઈને લોકોની સમસ્યાઓ માટે સંઘર્ષ કરતાં જોઈએ છે.