ગાંધીનગર-ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિમાં રાહત આપવાના નિર્ણય સાથે ગ્રીન ઝોનમાં કેટલાક વ્યાપાર-ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 4000થી વધુ ઉદ્યોગ-વ્યવસાય શરૂ થયાં છે, જો કે સરકારે ચેતવણી આપી છે કે બેદરકારી દાખવતા એકમો અને તેમના સંચાલકો સામે પગલાં લેવાશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના શહેરી વિસ્તારો કે જ્યાં રેડ ઝોન છે અને હોટસ્પોટ છે તેના સિવાય ગ્રામ્ય વિસ્તારો અને શહેરોની બહાર કેટલાક ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 20મી એપ્રિલથી શરૂ થનારા ઉદ્યોગોમાં પ્રથમ દિવસે 4000થી વધુ ઉદ્યોગોને જિલ્લા કલેક્ટરોએ મંજૂરી આપી છે.
ગુજરાતમાં જ્યાં ઉદ્યોગ શરૂ થયાં છે તે પૈકી અમદાવાદમાં 300, રાજકોટમાં 600, કચ્છમાં 750, જૂનાગઢમાં 400, ભરૂચમાં 450, મોરબીમાં 400 અને ભાવનગર 294 એકમનો સમાવેશ થાય છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે ઓટોમોબાઈલ અને અન્ય, રાજકોટમાં ઓઈલ મિલો તથા એન્જીનીયરીંગ, ભરૂચમાં કેમિકલ તથા મોરબીમાં સિરામીક ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.
અશ્વિની કુમારના જણાવ્યા અનુસાર આ તમામ ઉદ્યોગોને સોશીયલ ડિસ્ટન્સિગ અને કામદારોનો વિશેષ ખ્યાલ રાખવો પડશે. કામદારોને રહેવા, જમવા અને આવવા જવાના સમય સ્ટેગર કરવાના તથા એમનાં ફેકટરીમાં પ્રવેશ પહેલાં થર્મલ ગનથી ટેમ્પરેચર માપવા તથા સમયાંતરે ફેક્ટરીને સેનીટાઈઝ કરવાનું ફરજિયાત રહેશે.
બાંધકામ ઉદ્યોગમાં કામદારોને રહેવાની સગવડ અને ન હોય તો એમને સોશીયલ ડિસ્ટન્સિગના પાલન સાથે લાવવા લઈ જવાની વ્યવસ્થા ડેવલપર્સે કરવાની રહેશે. તેમજ આ શરતોના ભંગ બદલ મંજૂરી રદ કરી દેવાશે. જો કે હાલ બાંધકામ ક્ષેત્રના મજૂરો તેમના વતન ગયા હોઇ ઘણાં ડેવલપર્સ તેમની સ્કીમો શરૂ કરી શક્યા નથી પરંતુ જેમના મજૂરો શેલ્ટરમાં રહે છે તેમને પાછા બોલાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અશ્વિનીકુમારે કહ્યું હતું કે હજી વધુ ઉદ્યોગોને તબક્કાવાર મંજૂરી આપવામાં આવશે