ગુજરાતભરમાં નોનવેજ અને અન્ય ખાદ્ય ચીજોના લાખોની સંખ્યામાં લારી-ગલ્લા અને તવા છે. જોકે, હવે ગુજરાતમાં સરકાર એક વખત ફરીથી ગરીબોના પેટ ઉપર લાત મારવાનો પ્લાન બનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગરીબોના પેટ ઉપર લાત મારીને મોટી હોટલો અને પોતાની ઈન્કમ ઉભી કરવા માટે નોનવેજની આડ લેવામાં આવી શકે છે.
રાજકોટ-વડોદરા અને અમદાવાદમાં નોનવેજના નામે ધંધા રોજગાર બંધ કરાવીને રોજીરોટી છીનવવાનું શરૂ થઈ ગયું છે. જોકે, આ આખો ખેલ સરકાર પોતાની તિજોરી અને મોટા વેપારીઓના ભલા માટે કરી રહી છે. જણાવી દઈએ કે, કોઈ મોટી હોટલમાં જમવા જાઓ તો 18 ટકા ટેક્સ આપવો પડતો હોય છે. તેવામાં મધ્યમ વર્ગથી માંડીને ગરીબ માણસ હોટલમાં ના જઈને તવા ઉપર કે ઢાબામાં જઈને જમાવાનું વધારે પસંદ કરે છે.
તેવામાં તવાઓના કારણે મસમોટી હોટલોના ધંધા ઉપર ઘણી અસર થતી હોય છે. તેવામાં જો તેમના ધંધામાં તેજી આવે તો સરકારને પણ ફાયદો થઈ શકે તેમ છે. પરંતુ આ તેજી કેવી રીતે આવે તે એક મોટો યક્ષ પ્રશ્ન છે. તો તેનો જવાબ છે કે, નાના-મોટા લાગી ગલ્લાઓ અને તવાઓ ઉપર બ્રેક લગાવી દેવામાં આવે. તો વસ્તી ધીમે-ધીમે હોટલો તરફ પ્રયાણ કરી શકે છે. તેથી અન્ય બહાનાઓ દર્શાવીને નોનવેજની લારીઓને બંધ કરાવવાનો કારસો રચાઈ ગયો છે.
રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લારી-ગલ્લાવાળાઓને ભૂ-માફિયા ગણાવ્યા
રાજ્યના મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ લારી ગલ્લા પાથરણા વાળાને લેન્ડ ગ્રેબિંગ (ભૂ માફિયા) ગણાવીને તેમને ફૂટપાથ પરના તમામ લોકોને હટાવી નાખવાની વાત કરી હતી. તેથી લારી ગલ્લા પાથરણા સંઘે અમદાવાદ કલેકટર કચેરીખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ અને વડોદરા મ્યુ કોર્પોરેશન દ્વારા નોનવેજના નામે ધંધા રોજગાર બંધ કરાવી રોજીરોટી છીનવી બેરોજગાર કરતા તેના માટે પણ વિરોધ નોંધાવામાં આવ્યો હતો.
સંઘે કહ્યું છે કે, રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા લારી ગલ્લા પાથરણા માટે ભૂ-માફિયા જેવા શબ્દો માટે માફી માંગશે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતના 15થી 17 લાખ લારી ગલ્લા પાથરણાવાળા એક થઈને વિરોધ પ્રદર્શન કરી શકે છે.
લારી ગલ્લા પાથરણા એસોસિએશન ની માંગ છે કે લારી ગલ્લા પાથરણા માટે બનેલા કાયદા એટલે કે સ્ટ્રીટ વેંડર્સ એક્ટ 2014 (પ્રોટેક્શન ઓફ લાઈવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ 2014)નો ઝડપીમાં ઝડપીમાં અમલ કરવામાં આવે અને તમામ ને કાયદા મુજબ હોકિંગ જોન બનાવી જગ્યા ફાળવણી કરવામાં આવે.
શું છે આખો મુદ્દો ?
ગુજરાતના શહેરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધનો મુદ્દો સળગ્યો છે. એક પછી એક શહેરો જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ આ મામલે મોટુ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં રસ્તા પર ઊભી રહેતી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે.
વડોદરામાં નોન વેજ ઢાંકી ને વેચાણ કરવામાં આવશે. વડોદરા નગર પાલિકાએ જાહેર રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ દૂર કરવા આદેશ કર્યો હતો.