ગાંધીનગર- ગુજરાતમાં સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન વધે તે માટે સરકારના ઉર્જા વિભાગે સોલાર અને વિન્ડ પોલિસીની જાહેરાત કરી છે પરંતુ પોલિસીમાં ક્ષતિઓ હોવાથી અરજદારોની અરજીઓ મંજૂર થતી નથી. વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે બનાવવામાં આવતી પવનચક્કીઓની સંખ્યા વધે તે માટે પણ સરકારનો દાવો છે કે વિના વિધ્ને મંજૂરીઓ આપવામાં આવે છે પરંતુ હકીકત કંઇ અલગ જ છે, જેનો પર્દાફાશ વિધાનસભામાં થયો છે.
ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં છેલ્લા બે વર્ષમાં પવનચક્કીની સ્થાપના માટે વિવિધ અરજદારો તરફથી 680 અરજીઓ કરવામાં આવી હતી જે પૈકી મહેસૂલ વિભાગના આંકડા પ્રમાણે માત્ર 289 અરજીઓને જ માન્ય રાખવામાં આવી છે. બાકીની અરજીઓ પેન્ડીંગ છે અથવા તો રદબાતલ કરી દેવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે.
આશ્ચર્યની બાબત એવી છે કે છેલ્લા બે વર્ષમાં માગણીઓની સામે 50 ટકા અરજીઓ મંજૂર તો કરી છે પરંતુ તે પૈકી માત્ર 13 અરજદારોની પવનચક્કીના હેતુ માટે જમીન આપવામાં આવી છે. મહેસૂલ વિભાગે કહ્યું હતું કે કચ્છ જિલ્લામાં 13 અરજદારોને 1264 હેક્ટર જમીન આપવામાં આવી છે.